હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હળવદ : હળવદના ચરાડવા ગામ નજીક ગઈકાલે પસાર થઇ રહેલી રિક્ષાના ચાલક મોબાઇલમાં ધડાકાને લીધે ગભરાઈ જતા સામે આવી રહેલી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં ગંભીર ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ ભવાની પ્રેટ્રોલ પંપની બાજુમાં ગઈકાલે સીએનજી રીક્ષા ચાલક પરેશભાઈ દેવરાજભાઈ (રહે. ચરાડવા) પસાર થઈ રહ્યા હતા.ત્યારે તેની પાસે રહેલા એન્ડ્રોઇડ મોબાઈલમાં અચાનક ધડાકો થયો હતો. આ ધડાકાના કારણે રિક્ષાચાલક ગભરાઈ ગયો હતો. આથી, સામેની બાજુએથી આવી રહેલ ટ્રક સાથે રિક્ષા અથડાઈ હતી. આ અકસ્માતમાં રીક્ષાચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યો હતો અને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમ્યાન આ રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં હળવદ પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.