સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી વરસાદી પાણી ભરેલા ખાડામાં ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા : શાપર-ગાળા રોડની ખરાબ હલતને કારણે વાહનો ફસાયા મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણતા લખધીરપુર રોડની વરસાદમાં એકદમ ખરાબ હાલત થઈ ગઈ છે. લખધીરપુર રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા પાણી ભરેલા ખાડામાં વાહનો ફસાય જાય છે. આજે પણ લખધીરપુર રોડના કોર્નર ઉપર વરસાદી પાણી ભરેલા ખાડામાં બેથી ત્રણ વાહનો ફસાય ગયા હતા. આથી, સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી વરસાદી પાણી ભરેલા ખાડામાં ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા. મોરબીના લખધીરપુર રોડની વરસાદમાં કપરી દુર્દશા થઈ ગઈ છે. લખધીરપુર રોડ ઉપર વરસાદના પાણી ફરી વળ્યાં છે અને રોડ ઉપર ખાડામાં પાણી ભરાયેલા હોવાથી દૂરથી આવતા વાહનચાલકોને આગળથી પાણી દેખાતું હોય અને ખાડા ન દેખાવાથી વાહનો ફસાઈ જાય છે. આવી રીતે દિવસમાં અનેક વાહનો ફસાઈ જાય છે. જો કે લખધીરપુર રોડ ઉપર વરસાદના પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોની મુશ્કેલી વધી છે. આજે પણ લખધીરપુર રોડના કોર્નર ઉપર વરસાદી પાણી ભરેલા ખાડામાં બેથી ત્રણ વાહનો ફસાય ગયા હતા. એક કાર બુરી રીતે ખાડામાં ફસાઈ હતી. આ વાહનને સ્થાનિક ચેતન રબારીએ જેસીબીથી બહાર કાઢવામાં મદદ કરી હતી. આ સીરામીક ઝોન ગણાતા લખધીરપુર રોડ ઉપર કામ અર્થે આવતા સીરામીક વેપારીઓ, ઉધોગકારો સહિતના વાહનનો અહીંના કોર્નર પર ફસાઈ જતા હોવાથી આ ગંભીર બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. આ ઉપરાંત, મોરબીના શાપર ગામથી ગાળા ગામને જોડતા માર્ગની પણ વરસાદમાં વધુ ખરાબ હાલત થઈ ગઈ છે. આ રોડ ઉપર પણ વરસાદી પાણી ભરેલા ખાડાઓમાં દરરોજ વાહનો ફસાય છે. દરરોજ કોઈને કોઈ વાહન ફસાય જતું હોવાથી ટ્રાફિકજામની સમસ્યા કાયમી બની છે. તેથી, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી, સંબધિત તંત્ર આ રોડની હાલત સુધારે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે.