બિસ્માર થઈ ગયેલા વિવિધ મુખ્ય માર્ગોની કામગીરીની ઇજનેરો સાથે પૂર્વ ધારાસભ્ય મેરજા સહિતના આગેવાનોએ આગોતરી સમીક્ષા કરાઈ : લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનું કાયમી નિરાકરણ ઇચ્છતા નાગરિકો મોરબી : રોડ-રસ્તા મામલે મોરબી શહેર-જિલ્લાની હાલત બદથી બદતર થઈ જતા નાગરિકો ત્રાહિમામ થઈ ગયા છે ત્યારે હાલ ચોમાસાની સિઝન દરમ્યાન પણ બિસ્માર રોડ રસ્તાઓનું રીપેરીંગ કામ હાથ ધરાનાર છે. આવનારા દિવસોમાં જ મુખ્ય માર્ગોની કામગીરી શરૂ થવા જઈ રહી છે ત્યારે મોરબી-જેતપર-મચ્છુ રોડ તથા ખાસ કરીને મહેન્દ્રનગરથી લઈ શાપર સુધીના માર્ગ પર પડી ગયેલા 'ખાડા માર્ગ'નું પૂર્વ ધારાસભ્ય, તાલુકા ભાજપ પ્રમુખ, નાયબ કાર્યપાલક ઈજનેર તથા સ્થાનિક ઉધોગકારોએ ઉક્ત માર્ગોનું જાત નિરીક્ષણ કરી સ્થળ પર જ ચર્ચા વિચારણા કરી હતી. મહેન્દ્રનગરથી શાપર સુધીના વિસ્તારમાં માર્ગોની હાલત દયનિય બની છે. સાવ ખખડીને ખાડે ગયેલા માર્ગોને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ આવા માર્ગોનું તાત્કાલિક સમારકામ હાથ ધરવાનું નક્કી થતા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપ પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર હિતેન્દ્રભાઈ આદ્રોજા તેમજ સંબંધિત ઇજનેરોએ ઉક્ત સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થળ મુલાકાત સમયે મોરબી-જેતપર-મચ્છુ રોડ પર આવેલા સીરામીક યુનિટના ઉધોગપતિઓ જયંતીભાઈ દેત્રોજા, અનિલભાઈ સુરાણી, નિલેશભાઈ કાલરીયા, મણિલાલ પટેલ, ભરતભાઇ મેરજા, જયદીપભાઈ વાસદડીયા, સતિષભાઈ પટેલ સહિત 30થી વધુ ઉધોગપતિઓ સાથે રહ્યા હતા. સ્થળ નિરીક્ષણ દરમ્યાન ઉધોગકારોએ વિવિધ રોડ રસ્તા અંગે રજુઆત કરી માહિતી પૂરી પાડી અને વર્તમાન સમસ્યા અને ત્વરિત નિર્ણાયક કામગીરી કરવાની માંગ કરી હતી. જેમાં બેલાથી ભરતનગર-ખોખરા હનુમાન વાળા રોડનું કામ પૂરું કરવા, રોડ સ્થિત ગેરકાયદે દબાણો હટાવવા, કંડલા બાયપાસનો પુલ રીપેર કરવા તથા પીપળી રોડ પર વધુ ટ્રાફિક રહેતો હોય ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે મોરબી-કંડલા બાયપાસ રસ્તા પર આરટીઓ નજીક મચ્છુ નદી પર આવેલો પુલ રીપેર કરવા માટે આવનાર 5 દિવસો દરમ્યાન બંધ રહેવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પુલ 5 દિવસ હંગામી ધોરણે બંધ રહેનાર હોય વૈકલ્પિક ડાયવર્ઝનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે લોકોના મનમાં સો મણનો સવાલ છે કે આ બધી કવાયત પછી પણ રોડ-રસ્તા કે પુલ રિપેરીંગનું કામ લાંબાગાળાની રાહત આપશે કે કેમ? નાગરિકોનો સ્વાનુભવ એવો રહ્યો છે કે કાગળ પર વ્યવસ્થિત થતી કામગીરી સ્થળ પર દેખાતી નથી હોતી. પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી પ્રામાણિકપણે ટેક્ષ ચૂકવવા છતાં તેનું યોગ્ય વળતર નથી મેળવી શકતી, એવો લોકોનો બળાપો હંમેશ માટે રહ્યો છે. ત્યારે હાલ જે પ્રકારે સ્થળ નિરીક્ષણો થઈ રહ્યા છે, ઇજનેરોને સાથે રાખીને સૂચનાઓ અપાઈ રહી છે, ઉધોગકારોના અભિપ્રાયો જાણવાની ઔપચારિકતાઓ નિભાવાઈ રહી છે ત્યારે નાગરિકોને માત્ર પરિણામલક્ષી કામગીરીમાં જ રસ છે. આવનારા દિવસોમાં હવે જોવું રહ્યું કે હાલ ચાલી રહેલી કવાયત કેવો રંગ લાવે છે ; કે પછી દળી દળીને ઢાંકણીમાં જેવો ઘાટ ઘડાય છે.