ઓમ વીલામાંથી પકડાયેલા જુગારધામ મામલે ટંકારાના મહિલા પીએસઆઇને સસ્પેન્ડ

- text


ટંકારા : ટંકારાના ઘુનડા રોડ પર આસલ ઓમ વીલામાં થોડા સમય પહેલા આર.આર.એસ. દ્વારા મસમોટું જુગારધામ ઝડપી લેવામાં આવ્યું હતું. આ જુગારધામમાં બેદરકારી મામલે સ્થાનિક ટંકારા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો થયા હતા. ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડાએ ઓમ વીલામાંથી પકડાયેલા જુગારધામ મામલે કાર્યવાહી કરીને ટંકારા મહિલા પીએસઆઇને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આર.આર.સેલ દ્વારા થોડા સમય પહેલા ટંકારા નજીક ઓમ વીલામાં ધમધમતા જુગાર ધામ ઉપર તવાઈ ઉતારવામાં આવી હતી અને લાખોના મુદ્દામાલ સાથે મસમોટા જુગાર ધામને ઝડપી લીધું હતું. આથી, બહારની પોલીસે આ જુગારધામ ઝડપી લેતા સ્થાનિક ટંકારા પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો થયા હતા. આ મામલે ટંકારા પોલીસ ઉપર ખાતાકીય કાર્યવાહીની તલવાર લટકતી હતી. ત્યારે આજે મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા દ્વારા ટંકારાના મહિલા પીએસઆઇ એલ. બી. બગડાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ સેકન્ડ મહિલા પીએસઆઇ ગોંડલીયાને ટંકારા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઓમ વિલામાંથી પકડાયેલા જુગારધામ મામલે મહિલા પીએસઆઇને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

- text