ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામમાં આવેલ ઓનેરી ફેક્ટરીમાં રહેતા કોરોના પોઝીટીવ દર્દી અને તેનું પાંચ સભ્યોનું કુટુંબ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી સિકયોરીટી ગાર્ડ્સને ચકમો આપી ફરાર થઇ ગયા હતા. અને દર્દી, તેના ભાઈ, તેની પત્ની અને બે બાળકો માદરે વતન (ધાર) મધ્યપ્રદેશ પહોચી ગયા છે. આ બનાવ અંગે નેકનામ આરોગ્ય કેન્દ્રના ડોકટરએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના મિતાણામાં આવેલ ઓનેરી ફેક્ટરીમા કામ કરતો મૂળ એમ.પી.ના ધારનો વતની મજુર માંગીલાલ નારસિંગ દાવર (ઉ.વ. 30) કોરોના પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ તેને નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કારખાને અલગ રૂમમા કન્ટેન્ટમેન્ટ ઝોન કરી સારવાર ચાલી રહી હતી. એ ગાળામા ડોક્ટરની ટીમ પોઝીટીવ કેસની ચકાસણી અર્થે જતાં દર્દી કે તેનો પરિવાર ન મળતા દોડધામ મચી ગઈ હતી. દર્દી અને તેના પરિવારના પાચેક સભ્યો પણ હાજર ન હોવાથી કન્ટેન્ટમેન્ટ ઝોનમાથી ફરાર થયાનુ માલુમ પડતા ડોક્ટર હર્ષાબા એ ટંકારા પોલીસને ગઈકાલે ફરીયાદ નોંધાવી હતી. પોલીસની પુછતાછ અને સીસીટીવી ફૂટેજ જોતા કોરોના પોઝીટીવ દર્દી અને કુટુંબી ગત તા. 13/08/2020ના મધ્યરાત્રીના 3:41 વાગ્યે કારખાનાની પાછળની વંડી ટપી નાશી ગયાનુ બહાર આવ્યું છે. ત્યારે ફેક્ટરીના સિક્યોરિટી ગાર્ડ અને જવાબદાર સામે અનેક સવાલો ઉભા થયા છે. આ રીતે પોઝીટીવ દર્દી હજારો કિલોમીટરનું અંતર કાપીને નિકળી ગયો તો એનાથી સંપર્કમા આવનારનુ શુ? તે જ્યા છે ત્યા કોઈને જાણ કરી છે? સહિતના પશ્ર્નો ઉભા થયા છે.