નાના વાહન ચાલકોને પડતી મુશ્કેલી નિહાળીને જાગી ખાખીની માનવીય સંવેદના મોરબી : શહેરમાં પડી રહેલા વરસાદને કારણે માર્ગો પર અને સતત ધમધમતા રહેતા ચોકમાં નાનામોટા ખાડાઓ પડી જતા નાના વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નહેરૂ ગેટ ચોકમાં ફરજ બજાવતા એક ટ્રાફિક પોલીસની સંવેદના ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે. મોરબીના નહેરૂગેટ ચોકમાં વ્યસ્ત ટ્રાફિક વચ્ચે ફરજરત ટ્રાફિક પોલીસ જવાન અમુભાઈ ખાંભલાની નજરમાં આવ્યું કે ચોકમાં વરસાદને કારણે પડી ગયેલા ખાડાઓને લઈને નાના વાહન ચાલકોને પસાર થવામાં તકલીફ પડી રહી છે. વળી ખાડાઓને કારણે વાહનોની સ્પીડ ઓછી થઈ જવાથી ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે. આથી અમુભાઈએ પાલિકાના ભરોસે બેસી રહેવાને બદલે સ્વખર્ચે આ ખાડાઓનું હંગામી બુરાણ કરાવ્યું હતું. આ ચોમાસા દરમ્યાન કમસેકમ નાના વાહન ચાલકોને પસાર થવામાં કોઈ મુશ્કેલી ન પડે એની ખેવના રાખનાર ટ્રાફિક પોલીસના જવાનની સ્થાનિકો દ્વારા પ્રસંશા થઈ રહી છે.