ટંકારા : થોડા દિવસો પૂર્વે ટંકારા પોલીસને અંધારામાં રાખીને રાજકોટ રેન્જની આર.આર. સેલ દ્વારા ટંકારા પોલીસ મથક વિસ્તારના સજ્જનપર-ધુનડા રોડ પર સ્થિત ઓમ વિલા નામના બંગલામાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમ્યાન 7 પત્તાપ્રેમીઓને 50 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે આ રેડનો રેલો ટંકારા પોલીસ મથક સુધી પહોંચશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. મોરબી જિલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન જુગાર રમતા લોકો પર પોલીસની સતત વોચ હોય છે. વારંવાર નાના નાના પત્તાપ્રેમીઓને ઝડપીને પોલીસ કામગીરીની નોંધ થતી હોય છે ત્યારે સજ્જનપર-ધુનડા રોડ સ્થિત હાઈપ્રોફાઈલ જુગારધામ પર રાજકોટ રેન્જની આર. આર. સેલે દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ઝડપાયેલુ જુગારધામ ટંકારા પોલીસની બાઝ નજરમાંથી કઈ રીતે બાકાત રહી ગયું એ અંગે લોકોમાં તો ઠીક પોલીસ તંત્રમાં પણ વિમાસણ સર્જી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોઈની મીઠી નજર વિના આવડું મોટું જુગારધામ ચલાવવું શક્ય નથી. પોલીસ બેડામાં થતી ચર્ચા મુજબ આ રેડનો રેલો ટંકારા પોલીસ મથક સુધી પહોંચી શકે છે.