ખાડાઓના સમારકામમાં ચીકણી માટી પર લાલ માટી નાખતા બાઇકચાલકોની હાલાકી વધી મોરબી : મોરબીમાં સતત વરસાદને પગલે મોટાભાગના માર્ગોનું ધોવાણ થઈ ગયું છે. ત્યારે હવે તંત્ર દ્વારા માર્ગો પર પડેલા ખાડાઓની રિપેરીગ કામ હાથ ધરવામાં આવ્યું છે. પણ ખાડાઓના રિપેરીગ કામ યોગ્ય રીતે થતું ન હોવાથી લોકોની મુશ્કેલી વધી રહી છે. આથી, મોરબીના નવા બસ સ્ટેન્ડથી રવાપર તરફના માર્ગ ઉપર મસમોટા ખાડાનું યોગ્ય રીતે સમારકામ કરવાની માંગ ઉઠી છે. મોરબીના નવા બસ સ્ટેન્ડથી રવાપર તરફના માર્ગ ઉપર વરસાદને પગલે મસમોટા ખાડા પડી ગયા હતા. આ રોડ ઉપર મસમોટા ગાબડાં પડતા અકસ્માતનું જોખમ વધ્યું હતું. આથી, સ્થાનિક લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરીને આ રોડ ઉપરના ખાડાઓનું યોગ્ય રીતે રિપેરીગ કામ કરવાની માંગ કરી હતી. જેના પગલે રવાપર રોડ ઉપર ખાડાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. પણ આ કામમાં ચીકણી માટી પહેલાથી જ હોય અને હવે ઉપરથી લાલ માટી નંખાતા આ રોડ પર ઓર ગારા કીચડને કારણે લપસણી ભૂમિ બની ગઈ છે. જેથી, વાહનચાલકો લપસી પડે છે. આથી, વાહનચાલકોની મુશ્કેલી વધી છે. તેથી, તંત્ર રોડના ખાડાઓનું યોગ્ય રીતે સમારકામ કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.