જિલ્લા કલેકટરના વરદ હસ્તે શિલ્ડ અને એક લાખ રૂપિયાનો ચેક અર્પણ : ગત ચોમાસે ધસમસતા પુરમાં બે બાળાઓને ખંભે બેસાડી બચાવ્યો હતો માસુમોનો જીવ : ટંકારા : કહેવાય છે કે કરેલા સતકર્મો ક્યારેય વ્યર્થ નથી જતા. ગત ચોમાસાની સિઝન દરમ્યાન ટંકારા નજીક ધસમસતા પુરમાં બે માસૂમ બાળાઓને ખંભે બેસાડીને જીવના જોખમે બન્નેનો જીવ બચાવનાર જાંબાઝ પોલીસ જવાનને પુર દરમ્યાન તેઓની અનન્ય કાર્યનિષ્ઠા માટે ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ટંકારાના જાંબાઝ અને કર્તવ્યનિષ્ઠ પોલીસ જવાન પુથ્વીરાજ સિહ જાડેજાને ભારત સરકાર દ્વારા 'જીવન રક્ષાપદક' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન અંતર્ગત રૂપિયા એક લાખનો ચેક અને શિલ્ડ જિલ્લા કલેકટરના વરદ હસ્તે એક કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઈમર્જન્સી 108ની સેવામાં કોરોના વોરિયર્સ તરીકે ટંકારાના રવિ કુબાવતનુ પણ બહુમાન કરવામાં આવ્યું હતું. જીવની પરવા કર્યા વિના પાણી વચ્ચે ફસાયેલા પરીવારને ખંભે બેસાડી સુરક્ષિત બહાર લાવનાર પુથ્વીરાજસિહ જાડેજાને 15 ઓગસ્ટે મોરબી જિલ્લા કલેક્ટરના હસ્તે 2019નો 'જીવનરક્ષક'ના બિરૂદ સાથેનો એવોર્ડ મહામહીમ રાષ્ટ્રપતિની માન્યતા બાદ ભારત સરકારનો એવોર્ડ એનાયત થતા મોરબી જિલ્લા સહિત ટંકારા તાલુકા માટે એક ગૌરવપ્રદ ક્ષણ સર્જાઈ હતી. આ ઉપરાંત ટંકારાના રવિ જગદીશભાઈ કુબાવતને પણ કોરોના વાઈરસને પગલે સર્જાયેલી સ્થિતિમાં લોકોને સતત સમજણ આપી, સહજ રીતે સહાયરૂપ બની 108 સેવામાં કોરોના વોરિયર્સ તરીકેની કામગીરી કરવા બદલ જીલ્લા કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. [gallery ids='104636,104640,104641']