મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કરી કાર્યવાહી : હળવદ: હળવદ તાલુકાના વેગડવાવ ગામે ગત તારીખ ૧૪ની રાત્રી દરમ્યાન પ્રેમ પ્રકરણના મનદુઃખને લઈ યુવાનને જીવતો સળગાવી દેવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવને લઇ મૃતકના પિતાએ ત્રણ શખ્સો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. બે દિવસ પહેલા હળવદ તાલુકાના વેગડવાવગામે હનુમાનજી મંદિરની ઓરડીમાં સૂતેલા વિક્રમભાઈ હરેશભાઈ પીપળીયા નામના યુવાન પર જ્વલનશીલ પ્રવાહી રેડી યુવાનને જીવતો સળગાવાયો હતો. ગંભીર હાલતમાં દાજી ગયેલા યુવાને રાજકોટ સ્થિત હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ જઘન્ય બનાવ બાદ મૃતકના પિતાએ હળવદ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ સુધી પહોંચવા હળવદ પી.આઈ દેડાવાડીયાના માર્ગદર્શન હેઠળ દેવુભા ઝાલા સહિતના પોલીસકર્મીઓએ વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આરોપી મહાદેવભાઇ કાનજીભાઈ પીપળીયા ઉંમર વર્ષ 43, સુરેશભાઈ કાનજીભાઈ પીપળીયા ઉંમર વર્ષ 35 અને દિનેશભાઈ કાનજીભાઈ પીપળીયા ઉંમર વર્ષ 32 રહે. વેગડવાવને ઝડપી પાડી ત્રણેય આરોપીઓને પોલીસ મથકે લાવી હાલ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૌ પ્રથમ આરોપીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હળવદ પોલીસ દ્વારા હાથ ધરાશે.