જેમ દેશની આઝાદી માટે દરેક નાગરિકે લડતમાં સહયોગ આપ્યો હતો, તેમ કોરોના મહામારી સામેની જંગમાં પણ સરકારની દરેક ગાઈડલાઇનનું પાલન કરીને દરેક નાગરિક જંગમાં સહયોગી બને : કલેકટર જે. બી. પટેલ મોરબી : આજે 74માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભરમાં રાષ્ટ્રપ્રેમ સાથે કરવામાં આવી રહી છે. રાજ્યમાં પણ કોરોનાના કારણે માર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં સ્વતંત્રતા દિનની ઉજવણી મોરબી શહેરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે. મોરબી જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્ર ગીત દરમિયાન મોરબી કલેક્ટર જે. બી. પટેલના વરદ હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. તેમજ પોલીસ દળ, હોમ ગાર્ડ અને એન.સી.સી. કેડેટ દ્વારા પરેડ કરવામાં આવી છે. આ પ્રસંગે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ કોરોનાના કારણે રાખવામાં આવ્યા ન હતા. અને સાદાઈપૂર્વક સીમિત આમંત્રિતોની સંખ્યામાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં તમામ વિભાગના કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું છે. કલેક્ટરે પોતાના ઉદબોધન દરમિયાન મોરબીની વિકાસગાથા વર્ણવી, દરેક ક્ષેત્રે સરકારની વિવિધ યોજનાના વિકાસ કામોની માહીતી આપી છે. સ્વતંત્રતા દિન નિમિત્તેના કાર્યક્રમ બાદ કલેક્ટર જે. બી. પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યું છે. કલેક્ટરે વક્તવ્ય દરમિયાન જણાવ્યું છે કે 'અનેક વર્ષોના સંઘર્ષો અને રાષ્ટ્રનાયકોના પ્રયાસોથી 15મી ઓગસ્ટ, 1947ના રોજ આઝાદી પ્રાપ્ત કરી, સ્વશાશન મેળવ્યું. આજનો દિવસ સૌ માટે રાષ્ટ્રની ગરિમા અને ગૌરવ જાળવવાનો પવિત્ર દિવસ છે. રાષ્ટ્રમાં શાંતિ, સલામતી, એકતા અને અમનનું વાતાવરણ બની રહે તે માટે ઘરથી દૂર રહી દેશની સીમાની રક્ષા માટે શહાદત વહોનાર જવાનોને વંદન કરવાનો પણ દિવસ છે.' કલેક્ટરે જણાવ્યું છે કે મોરબી જિલ્લાના અનેક વિકાસ કાર્યો પૂર્ણ થયા છે અને અનેક કાર્યો પ્રગતિ હેઠળ પણ છે. રાજ્ય સરકાર દ્વારા મોરબી ખાતે એરપોર્ટ બનાવવાની મંજૂરી મળેલ છે, જે મોરબીવાસીઓ માટે પ્રસંસનીય વાત છે. આ અંગે પ્રાથમિક તબક્કાની કામગીરી માટે રૂ. 40 કરોડ મંજૂર કરવામાં આવેલ છે. સરકારની યોજનાઓ છેવાડાના માનવીઓ સુધી પહોંચે અને તેના જીવનમાં વિકાસ થાય તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રયત્નશીલ રહ્યા છે. આ ઉપરાંત, કલેક્ટરે કોરોના મહામારી દરમિયાન કોરોના વોરિયર્સ બની તમામ ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા કરી રહેલા અગ્રણીઓ, સામાજિક તથા શૈક્ષિક સંસ્થાઓ, વિવિધ સંસ્થાઓ તથા વ્યક્તિગત રીતે સેવાયજ્ઞ ચલાવી રહેલા દરેકને સેવાકીય પ્રવૃત્તિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમજ આગામી દિવસોમાં પણ સેવા મળી રહે તેવી આશા વ્યક્ત કરી છે. જેમ દેશની આઝાદી માટે દરેક નાગરિકે લડતમાં સહયોગ આપ્યો હતો, તેમ કોરોના મહામારી સામેની જંગમાં પણ સરકારની દરેક ગાઈડલાઇનનું પાલન કરીને દરેક નાગરિક જંગમાં સહયોગી બને તેવી અપીલ કરવામાં આવી છે.