વરસાદ અને ગટરના પાણી ત્રણ સોસાયટીમાં નદીના વહેણની માફક ફરી વળતા ઘરોમાં ઘુસી ગયા સ્થાનિકોએ તંત્રની ગંભીર બેદરકારી હોવાનો બળાપો ઠાલવ્યો મોરબી : મોરબીના વાવડી રોડ પરની નવલખી રોડ પરની સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ બન્ને સોસાયટીઓમાં પાણી એટલી હદે ભરાય ગયા છે કે એ સોસાયટીઓમાંથી અવરજવર કરવી હોય તો બોટ લઈને નીકળવું પડે તેવી કપરી હાલત થઈ ગઈ છે. આ સોસાયટીઓમાં વરસાદના અને ગટરના પાણી નદીના વહેણની માફક ફરી વળતા પાણી ઘરોમાં ઘુસી જવાથી સ્થાનિકો બેહાલ થઈ ગયા છે. સ્થાનિકોએ તંત્રની ગંભીર બેદરકારી હોવાનો બળાપો ઠાલવ્યો હતો.મોરબીમાં બુધવાર અને ગુરુવારે એકધોરો વરસાદ પડ્યો હતો. ખાસ કરીને શહેરમાં વરસાદી પાણીનો નિકાલ જ ન હોવાથી ઠેરઠેર પાણી ભરાયા હતા. તેમજ ભૂગર્ભ ગટરો ચોકઅપ હોવાથી વરસાદના પાણીનો નિકાલ બંધ થવાથી ગટરના ગંદા પાણી સાથે વરસાદના પાણી ઘણા વિસ્તારોમાં ભરાયા છે. જો કે ગતરાત્રીથી મેઘવીરામ હોવા છતાં મોરબીની વાવડી રોડ અને નવલખી રોડ પરની સોસાયટીઓ બેટમાં ફેરવાય ગઈ હોય તેવી હાલત સર્જાય છે. આજે આ સોસાયટીઓ એટલી હદે પાણી ભરાયા છે કે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ છે અને ઘરમાં પણ રહી શકાય એન નથી કારણકે ઘરમાં પણ પાણી ઘુસી ગયા છે. મોરબીના વાવડી રોડ પર આવેલ રવિ પાર્ક અને કરિયા સોસાયટીઓ તથા નવલખી રોડ પર આવેલ શાંતિવન સોસાયટી અને શાંતિવન પ્રાથમિક શાળામાં સરોવરની માફક પાણી ફરી વળ્યાં છે અને શેરીમાં પાણી ભરાવવાની સાથે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. સ્થાનિકોના કહેવા મુજબ પંચાસર રોડના તળાવમાંથી નીકળેલું પાણી રવિ પાર્ક સોસાયટીમાં ઘુસી ગયું છે. કારીયા સોસાયટીમાં એકબાજુના રોડનું કામ ચાલુ છે. આ સોસાયટીમાં ગટરના પાણીનો નિકાલ બંધ થતાં પાણી આ સોસાયટી ફરી વખત લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. તેમજ શાંતિવન સોસાયટી અને શાંતિવન પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાય ગયા છે. ત્યાંથી વાહનચાલકોને પસાર થવું અઘરું છે. તેમજ સ્થાનિક લોકો પણ ભારે મુશ્કેલીમાં મુકાય ગયા હતા. ગતરાત્રીથી વરસાદનો વિરામ હોવા છતાં પાણી સોસાયટીઓમાં ઘુસી જતા સ્થાનિકોએ તંત્રની બેદરકારીના કારણે આવી હાલત થયાનો રોષભેર બળાપો ઠાલવ્યો હતો.