જયારે સતત વરસાદના કારણે મોરબીના ફડસર, મોટી વાવડી, બાદાનપર સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા, વિરપરડા ગામના તળાવના પાળામાં ગાબડું પડ્યું મોરબી : મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલીઓ સર્જાય છે. જેના ગ્રામ્ય વિસ્તારોમાં સતત અને ભારે વરસાદના કારણે મોરબીના ફડસર-આમરણ ગામ વચ્ચે કોઝવેમાં પાંચ લોકો પાણીમાં ફસાયા ગયા હોવાથી તંત્ર દ્વારા રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટિમ રવાના કરવામાં આવી છે. જયારે સતત વરસાદના કારણે મોરબીના ફડસર, મોટી વાવડી, બાદાનપર સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા હોવાનું અને વિરપરડા ગામના તળાવના પાળામાં ગાબડું પડ્યું હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ ફડસર અને આમરણ ગામ વચ્ચે આવેલા ધર્મેશ્વર મહાદેવના મંદિરે પાસેના કોઝવેમાં ફડસર ગામના પોસ્ટમેન સહિત 5 માણસો ચારે બાજુ પાણી ફરી વળતાં ફસાઈ ગયા હતા. આ અંગે ગામના સરપંચ બાબુભાઈ કુંભરવાડિયાએ તંત્રને જાણ કરતાં રાત્રીના આઠ વાગ્યે એનડીઆરએફની એક ટીમ તેમને રેસ્ક્યુ માટે મોકલવામાં આવી હોવાનું ટીડીઓ પી.એ.ગોહિલે મોરબી અપડેટને જણાવ્યું હતું. જયારે ગ્રામજનોના જણાવ્યા મુજબ ફડસર અને આમરણ વચ્ચે આવેલ કોઝવેની હાલત ખુબ જ જર્જરીત છે. જેમના કારણે ફડસર ગામના લોકો આમરણ સુધી પહોંચી શકતા નથી અને દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ હોય છે. જેથી એમનો કાયમી ઉકેલ આવે તેવી ગ્રામજનોએ લાગણી અને માગણી વ્યક્ત કરી છે. આ ઉપરાંત સતત વરસાદના કારણે મોરબીના ફડસર, મોટી વાવડી, બાદાનપર સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગામને જોડતા માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. જ્યારે વિરપરડા ગામના તળાવના પાળામાં ગાબડું પડ્યું હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે.