મધ્યપ્રદેશમાં તપાસ અર્થે ગયેલી બી ડિવિઝન અને એલસીબીની ટીમની ભીંસ વધતા આરોપી બાળકને ચિઠ્ઠી સાથે ઇન્દોર ખાતે રેઢો મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા : આરોપીને સંતાન ન હોવાથી પાડોશીના બાળકનું અપહરણ કર્યાની પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું મોરબી : મોરબી શહેરમાં રહેતા શ્રમિક પરિવારના એક વર્ષના બાળકને બજારમાં ફરવા લઈ જવાનું કહીને પાડોશી દંપતી બાળકને લઈને ફરાર થઈ ગયાના અપહરણ બનાવમાં નવો વળાક આવ્યો છે. જેમાં ઇન્દોર ખાતે આ અપહૃત બાળકને ચિઠ્ઠી સાથે રેઢો મૂકીને અપહરણકાર આરોપી દંપતી નાસી ગયું હતું. ઇન્દોર ખાતે બાળક મળી આવ્યો હોવાની જાણ થતાં હાલ મધ્યપ્રદેશમાં જ રહેલી મોરબી પોલીસની ટીમ બાળકનો કબજો લઈને મોરબી પરત આવીને પોલીસે બાળકનો કબજો તેના માતાપિતાને સોંપ્યો હતો. મોરબીના યોગીનગર ઢાળીયા પાસે હનુમાન મંદીર નજીકના વિસ્તારમાં રહેતા મૂળ બિહારના વતની જીતેન્દરભાઇ સીપાહીભાઇ યાદવ (ઉ.વ. 37) એ પોતાના પુત્ર પિયુષ (ઉ.વ. 1 વર્ષ 3 માસ)નું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી જેમાં ગત તા. 7ના રોજ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ તેમની પાડોશની ઓરડીમાં રહેતા સંજુભાઇ કઢાઇભાઇ તથા તેના પત્ની રેખાબેન બન્ને સાતમ આઠમના તહેવાર માટે કપડાની ખરીદી કરવા જતા હોવાથી પીયુષને સાથે લઇ ગયા હતા. બાદમાં પરત ફર્યા ન હતા. આથી બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આરોપી દંપતીનું મૂળ વતન મધ્યપ્રદેશ છે. આથી બાળકનું અપહરણ કરીને આ દંપતી મધ્યપ્રદેશમાં ગયું હોવાની શક્યતાના આધારે ગત તા.8 ના રોજ બી ડિવિઝન અને એલસીબી એમ બે મોરબી પોલીસની ટિમો તપાસ અર્થે મધ્યપ્રદેશ રવાના કરાઈ હતી. તેવામાં ઇન્દોરથી અપહૃત બાળક મળી આવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશમાં તપાસ અર્થે ગયેલી મોરબી પોલીસની ટીમોની ભીંસ વધતા આરોપી સંજય આ બાળક સાથેની ચિઠ્ઠીને ઇન્દોર પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. ચિઠ્ઠીમાં આરોપીએ પોતાની ભૂલની કબૂલાત કરી હતી. આ ભૂલ થઈ ગઈ એમ કહીને બાળકને મૂકીને જતા રહ્યો હતો. આ બાળક સ્થાનિક લોકોને મળી આવતા ઇન્દોર પોલીસને જાણ કરી હતી. આથી આ બનાવની જાણ થતાં મધ્યપ્રદેશમાં જ તપાસ કરી રહેલી મોરબી પોલીસની ટીમ બાળકનો કબજો લેવા ઇન્દોર પહોંચી હતી અને ઇન્દોર ખાતેથી પોલીસે બાળકનો કબજો મેળવીને આજે મોરબી આવી હતી અને બાળકને તેના માતાપિતાને સોંપવામાં આવ્યો હતો. પોલીસે હાલ ફરાર અપહરણકાર આરોપીને ઝડપી લેવા ગતિવિધિ તેજ બનાવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સંજય અને તેની પત્ની રેખા નામની યુવતી સાથે લોકડાઉનના થોડા સમય અગાઉ મધ્યપ્રદેશથી મોરબી આવીને સામાકાંઠે રહેતો હતો. પણ તેને સંતાન ન હતું. આથી પડોશમાં રહેતા મૂળ બિહારના દંપતી સાથે ઘરોબો કેળવાયા બાદ તેના એક વર્ષના પુત્ર સાથે સારી એવી આત્મીયતા બંધાય હતી અને અવારનવાર આ બાળકને પોતાના ઘરે રમવા માટે લઈ જતો હતો. આરોપીઓને સંતાન ન હોવાથી આ બાળકનું અપહરણ કર્યાનું પોલીસનું અનુમાન છે. જોકે આ સંજય વિરુદ્ધ રેખાનું અપહરણ કર્યાનો પણ અગાઉ ગુનો દાખલ થયો હોવાની પોલીસને પ્રાથમિક વિગતો મળી છે. હાલ પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે અને ટુક સમયમાં આરોપી પકડાય જાય તેવી પોલીસે આશા વ્યક્ત છે.