ગરીબોને પગરખાં, કપડાંનું વિતરણ, બીમારને દવા, પુસ્તકોનું દાન, અબોલ જીવોના ખર્ચ સહિતના સેવા કાર્યો કરાયા ટંકારા : લખધીરગઢના ઉદ્યોગપતિ અમરશીભાઈ પનારાએ જરૂરીયાતમંદ અને ગરીબ માટે સત્કાર્ય કરી ગુરૂરૂપ સદ્દગત બનેવીને શ્રદ્ધાંજલિ અર્પી સમાજને નવો રાહ ચીંધ્યો હતો. મૂળ જામદુધઈના વતની સ્વ. ગોવિંદભાઈ વૈશ્ર્નાણી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. ધરતીકંપ તથા આપત્તિ સમયે માદરે વતન તથા મોરબી પંથકના ગામડાઓમા એક સમાજ શ્રેષ્ઠી તરીકે સેવા આપી લોકોની સહાયતા કરી હતી. લખધીરગઢના પનારા પરીવારે ગરીબોના બેલી સ્વ. ગોવિંદભાઈ વૈશ્ર્નાણીની શ્રદ્ધાંજલિ નિમિત્તે ગરીબ, જરૂરીયાતમંદને પગરખાં, નવા કપડા, બિમાર દર્દીને દવાઓ, સ્વરછતા માટે કામ કરતા કર્મચારીના સન્માન માટે પુરુસ્કાર, ટંકારા પુસ્તક પરબમા પુસ્તકોનું દાન, બાળકો અને પરપ્રાંતી મજુરોને તહેવારોને અનુલક્ષી નાસ્તો આપી અને ખાસ અબોલ જીવો માટે કામ કરતા પાંજરાપોળને આર્થિક અનુદાન અને ફેક્ટરીના પટરાગંનમાં વુક્ષારોપણ કરી અનોખી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ટંકારાના લખધીરગઢ ગામે રહેતા ઉદ્યોગપતિ પનારા અમરશીભાઈ દેવશીભાઈના ગુરૂ, આદર્શ અને રાહબર બનેવી સ્વ. ગોવિંદભાઈ રવજીભાઈ વૈશ્ર્નાણી, જે ભૂતકાળમાં મજુરી કરી ગુજરાન ચલાવતા હતા. પણ જ્યારે કુદરતે એમનો સિતારો બદલ્યો ત્યારે પોતાની ગરીબીને યાદ રાખી બે હાથે જે કમાયું, તે સમાજમાં ગરીબ, જરૂરીયાતમંદને ચાર હાથે બાટતા ગયા હતા. તેઓએ ધ્રોલ કન્યા છાત્રાલય, જાંબુડા ઉમા સંકુલ, સમુહ લગ્ન સમિતિ સહિત અનેક સંસ્થાઓમાં આગળ રહી પ્રેરણાદાયી સત્કાર્યો કર્યા છે. આવા આજીવન સેવાના વ્રતધારી ગોવિંદભાઈ રવજીભાઈ વૈશ્ર્નાણીનુ ગત તા. 8 ઓગસ્ટ, 2020ને શનિવારે અવસાન થયેલ હતું. ત્યારે તેમના આત્માની શાંતિ માટે પનારા પરીવારના મોભી અમરશીભાઈ, યુવા ઉદ્યોગપતિ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લિ. વાળા જગદીશ પનારા અને દેવેન્દ્ર પનારાએ સદ્દગતને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. જેમા ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટના આશરે 250 અબોલ જીવોના એક દિવસનો ઘાસચારો, ખાણ સહિતનો સંપૂર્ણ ખર્ચ, પારેવડાઓ માટે ચણ, ગરીબ- જરૂરીયાતમંદ લોકોને કપડા અને પગમા પહેરવાના ચંપલ, માંદગીથી પિડાતા દર્દીને દવાનો ખર્ચ, સ્વરછતા માટે કાયમી કામ કરતા કર્મચારીને સન્માન સાથે સાધનોની સહાય, ગરીબ પરિવારોને સાતમ આઠમ નિમિત્તે ફરસાણ-મિઠાઈ, ટંકારા પુસ્તક પરબમા વાંચનરસિકો માટે પુસ્તકો, નાના ભુલકાને ચોકલેટ, અને સ્નેહીની સ્મૃતિ કાયમ રહે તે માટે કારખાનાના પટરાગંનમાં વુક્ષારોપણ કરી અનોખી શ્રદ્ધાંજલિ આપી સમાજને નવો રાહ ચીંધ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્વ. ગોવિંદભાઈ કુદરતી આફતો વખતે અને માદરે વતન જામદુધઈમા સામાજિક બદલાવ લાવવામા મોખરે રહ્યા હતા. નાના માણસોને હમેશા મદદ કરી આત્મસંતોષ અનુભવતા હતા. આવા સમાજ શ્રેષ્ઠીની વિદાઈથી મોરબી પંથકમાં શોક વ્યાપી ગયો છે. અને લોકો એક સ્વજન ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.