શહેરમાં રખડતા ઢોરના ત્રાસે હદ કરી નાખી, રઝળતા ઢોરને ડબ્બે પૂરવામાં તંત્ર નિષ્ફળ જવાથી આધેડની જિંદગી છીનવાઈ મોરબી : મોરબીમાં લાંબા સમયથી રઝળતા ઢોરનો ગંભીર પ્રશ્ન છે. ત્યારે તંત્રના પાપે રઝળતા ઢોરનો ત્રાસ બેકાબુ બન્યો છે. શહેરમાં રખડતા ઢોરના ત્રાસે હદ કરી નાખી છે અને રઝળતા ઢોરને ડબ્બે પૂરવામાં તંત્ર નિષ્ફળ જવાથી આધેડની જિંદગી છીનવાઈ ગઈ છે. જેમાં મોરબીના માધાપર વિસ્તારમાં આખલા યુદ્ધની હડફેટે ચડી ગયેલા આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે. આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શીવનગર પંચાસર ગામે રહેતા મહાદેવભાઇ મોહનભાઇ અમૃતીયા (ઉ.વ. ૫૮) નામના આધેડ ગઈકાલે તા.૯.ના રોજ કોઈ કામ સબબ પોતાના બાઇક ઉપર શહેરના માધાપર વિસ્તારમાથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે માધાપર સતવારા સમાજની વાડી પાસે મોરબી પાસે બે ખુંટીયા બાઝતા હોવાથી આ ખુટિયાઓની હડફેટે આધેડ ચડી ગયા હતા. બન્ને ખૂટીયાઓ એકબીજા સાથે શીંગડા ભરાવીને દંગલ મચાવતા આ આધેડ ખુટિયાની ઢીકે ચડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. તંત્રની ઘોર બેદરકારીના કારણે વધુ એક નિર્દોષનો ખુટિયાએ જીવ લેતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી રઝળતા ઢોરનો ત્રાસ છે. હમણાં ચોમાસામાં તો રઝળતા ઢોરનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે શહેરનો મુખ્ય માર્ગ કે મુખ્ય વિસ્તારથી માંડીને શહેરનો એકપણ વિસ્તાર રઝળતા ઢોરના ત્રાસથી બાકાત રહ્યો નથી અને રખડતા ઢોર વચ્ચે વારંવાર આખલા યુદ્ધ થાય છે. ઘણા વિસ્તારોમાં તો આખલા યુદ્ધના બનાવો રોજિંદા બન્યા છે. આખલા યુદ્ધથી અવારનવાર લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોવા છતાં તંત્ર હાથ ઉપર હાથ ધરીને બેઠું છે. તંત્રએ રખડતા ઢોરને ડબ્બે પુરવાની કાર્યવાહી જ કરી નથી. ત્યારે હવે આખલા યુદ્ધમાં એક નિર્દોષનો ભોગ લેવાયા પછી પણ તંત્ર કુંભકર્ણની નીંદરમાંથી જાગશે ખરું?