માત્ર સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકાશે આ વખતે બે સાતમ હોવાથી બન્ને દિવસે શીતળા માતાજીના દર્શન કરી શકાય એવી વ્યવસ્થા કરાઈ મોરબી : મોરબીમાં એક માત્ર એવી જગ્યા છે કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ શીતળ સાતમે મહિલાઓનો જ મેળો યોજાઈ છે એ પણ કોઈપણ જાતના ભપકા વગર માત્ર સાદાઈથી યોજાઈ છે. મોરબીના દરબાર ગઢ પાસે મચ્છુ નદીના કાંઠે આવેલા શીતળા માતાના મંદિરે દર વર્ષે શીતળા સાતમના દિવસે માત્ર મહિલાઓનો મેળો યોજાઈ છે. પણ આ વખતે કોરોનાની મહામારીને લઈને આ શીતળા માતાજીના મંદિરે સાતમનો મેળો રદ કરવામાં આવ્યો છે અને માત્ર સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકાશે. શીતળા માતાજીના મંદિરે દરવર્ષે શીતળા સાતમના દિવસે એકમાત્ર મહિલાઓનો સાદાઈથી સ્વંયભુ રીતે મેળો ભરાય છે. જેમાં, મોરબી આસપાસના વિસ્તારોની મહિલાઓએ મોટા પ્રમાણમાં ઉમટે છે. જોકે, મહિલાઓ બાળકો સહિત પરિવારના મંગળમય કલ્યાણ માટે શીતળા માતાની માનતા માનતી હોય છે અને શીતળા સાતમના દિવસે મહિલાઓ અહીં માતાજી સમક્ષ માનતા ઉતારે છે. જેમાં કુલર, પતાસા, શ્રીફળ, ચુંદડી સહિતની ચીજવસ્તુઓ પ્રસાદ રૂપે માતાજીને ધરીને માતાજીના દર્શન કરીને બાળકો અને પરિવારની સદાય રક્ષા માટે પ્રાર્થના કરે છે. બાદ મહિલાઓ શીતળા માતાના મંદિરના ગ્રાઉન્ડમાં સદાયથી યોજાતા મેળાનો બાળકોને આનંદ આપે છે. ફજેત -ફળકા, નાના ચકડોળ સહિતના મનોરંજનના સાધનોની પોતાના બાળકોને મનભરીને મોજ કરાવે છે. જોકે, શીતળા માતાજી પ્રત્યે દરેક મહિલાઓને અપાર શ્રદ્ધા હોય છે. બાળકોને ઓરી અછબડા કે માંદગીમાં પટકાયા હોય તો શીતળા માતાજીની આસ્થા રાખવાથી માતાજી બાળકોના દુઃખ દર્દો અવશ્ય મટાડે છે તેવી મહિલાઓને દ્રઢ શ્રદ્ધા છે. આ વખતે કોરોનાની મહામારીને કારણે તમામ લોકમેળા રદ કરવામાં આવ્યા છે. તેથી, સાતમના દિવસે શીતળા માતાજીના મંદિરે પણ મહિલાઓનો મેળો નહિ ભરાય. માત્ર મહિલાઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને માતાજીની માનતા ઉતારીને દર્શન કરી શકશે. આમ પણ આ વખતે બે તિથિ હોવાથી સોમવારે અને મંગળવારે એમ બે દિવસ સાતમનો તહેવાર છે. આથી, બે દિવસ સુધી આ મંદિરમાં મહિલાઓ સોશ્યલ ડિસ્ટન્સ જળવીને દર્શન કરી શકશે.