બન્ને ખેડૂતોએ સામસામી માર માર્યાની ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી માળીયા : માળીયા તાલુકાના મોટા ભેલા ગામે ખેત મજૂરોને પોતાના ખેતરમાં મજૂરી કામે લઈ જવા બાબતે બે ખેડૂતો બાખડી પડ્યા હતા અને બન્ને ખેડૂતો વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવમાં બન્ને ખેડૂતોએ સામસામી માર માર્યાની ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના મોટાભેલા ગામના ખેડૂત પ્રભુભાઇ નાનજીભાઇ શેરસીયા ઉવ.૪૬)એ આરોપી કાંતિલાલ ધરમશીભાઇ સરડવા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૮ ના રોજ સવારના આશરે સાડા દશેક વાગ્યાના સુમારે આરોપીએ ફરિયાદી પાસેના મજુરને મજુરી કામે લઇ જવાનુ કહેતા ફરિયાદીએ આરોપીને કહેલ કે મારા ખેતરમા કામ જાજુ છે મારા ખેતરમા કામ પુરુ થાય પછી જ આપીશ. જેથી, આ બાબતે આરોપીએ ફરીયાદીને ગાળો આપી અને ઢીકા પાટુનો માર મારી પથ્થર વડે મુંઢ માર મારી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે ખેડૂત કાંતિલાલ ધરમશીભાઇ સરડવાએ આરોપી પ્રભુભાઇ નાનજીભાઇ શેરસીયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીએ આરોપીને મજુરને મજુરી કામે લઇ જવાનુ કહેતા આરોપી ફરિયાદીને કહેલ કે મારા ખેતરમા કામ પુરૂ થાય ત્યારે જ મજુર આપીશ તારાથી થાય તે કરી લે તેમ કહી ફરિયાદીને ગાળો દેવા લાગેલ જેથી ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી મોઢા ઉપર મુંઢ માર મારી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માળીયા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.