બન્ને પાડોશીઓએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના નાની વાવડી અને બગથળા રોડ ઉપર આવેલ ઉમિયા સોસાયટીમાં વરસાદથી ગારા કીચડ થવા મામલે બે પડોશીઓ બાખડી પડ્યા હતા અને બન્ને પાડોશી પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવ અંગે બન્ને પડોશીઓએ એકબીજા પર હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નાની વાવડી અને બગથળા રોડ ઉપર આવેલ ઉમિયા સોસાયટીમાં રહેતા ફરિયાદી ભુરજી ખાનજી સોઢા (ઉ.વ. ૩૬) એ આરોપીઓ ચંદનસિંહ સોનજી સોઢા, નરસિંહ લાલજી સોઢા, ખેતસિંહ લાલજી સોઢા, સોનજી લાલજી સોઢા, ભેરજી લાલજી સોઢા, જયોતસિંહ ખેતસિંહ સોઢા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૭ના રોજ સવારના દશેક વાગ્યાના અરસામા ફરીયાદીએ અગાઉ આરોપીને તેના ધર પાસે રોડ ઉપર રાખેલ માટીના ઢગલો થોડો દુર કરી રસ્તો ખુલ્લો રાખવા બાબતે બોલાચાલી થયેલ હોય, જેનો ખાર રાખી આરોપીઓએ લાકડાના ધોકા જેવા હથિયારો ધારણ કરી ફરીયાદી સાથે બોલાચાલી ઝધડો કરી ગાળો આપી હથિયાર વડે ફરીયાદીતથા સાહેદોને નાની મોટી ઈજા કરી હતી. તેમજ આ બનાવમા મારામારી દરમ્યાન ફરીયાદીનો થેલો પડી ગયો હતો. જ્યારે સામાપક્ષે ફરિયાદી ચંદનસિંહ સોનજી સોઢા (ઉ.વ. ૩૮) એ આરોપીઓ પ્રેમસિંહ ખાનજી સોઢા, ખાનજી સવાયસિંહ સોઢા, ભુરજી ખાનજી સોઢા, તેજમાલ ખાનજી સોઢા, ઓમસિંહ ખાનજી સોઢા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી પોતાના ધર પાસે ઉભા હતા અને પોતાના ધર પાસે વરસાદ થવાના કારણે ગારો થયેલ હોય, જે રોડ રસ્તા બાબતેનો વાંધો હોય, જેના કારણે આરોપીઓએ લોખંડના સળીયા, લાકડાના ધોકો, લોખંડની હથોડી, પાવડા જેવા હથિયારો ધારણ કરી ફરીયાદી સાથે બોલાચાલી ઝધડો કરી ગાળો આપી હથિયાર વડે ફરીયાદી તથા સાહેદોને નાની મોટી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.