ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ હળવદ પોલીસે આરોપીને ઝડપી લીધો.! હળવદ: હળવદ તાલુકાના રણમલપુર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પર ખેડૂતો પોતાના ખેતર સુધી પાણી લઈ જવા માટે ઓપનવેલ પંપ(ડેટકા)મુકતા હોય છે. જો કે પાછલા કેટલાક સમયથી અહીં પાણીના પંપની ચોરી થવાના બનાવો પણ સામે આવતા હતા.ત્યારે રણમલપુરના ખેડૂત દ્વારા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરતા ધાંગધ્રા તાલુકાના રાવળીયાવદરના શખ્સને આ ચોરીના ગુનામાં ઝડપી લઇ તેની પાસેથી સાત ઓપનવેલ પંપ(ડેટકા) કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડૂતોને પોતાના ખેતર સુધી પાણી લઈ જવા માટે નર્મદા કેનાલ પર મશીન અથવા તો ઓપનવેલ પંપ(ડેટકા) મુકતા હોય છે જોકે ઘણી વખત કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ખેડૂતોએ નર્મદા કેનાલ પર મુકેલા પંપની ચોરી થવાના પણ બનાવો બનતા હોય છે ત્યારે આવોજ એક બનાવ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં બનવા પામ્યો હતો. આ અંગેની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા રજનીકાંતભાઈ મકનભાઈ વરમોરાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે અમારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પરથી જી.જે-૧૩-એસ.એસ.૬૦૧૧નો ચાલક નર્મદા કેનાલમાં પાણી ખેંચવા માટે મુકેલા ઓપનવેલ પંપ (દેટકા)ની ચોરી કરી નાસી ગયો છે. જેથી હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન હળવદ પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડના દેવુભા ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, જયપાલસિંહ,મુમાભાઈ કલોત્રા,યોગેશદાન ગઢવી સહિતનાઓ દ્વારા રણમલપુર ગામની સીમ વિસ્તારમાંથી ઓપનવેલ પંપ(ડેટકા)નીચોરી કરનાર શખ્સ હકાભાઇ અંબારામભાઈ દલવાડી રહે રાવળીયાવદર તા.ધાંગધ્રા વાળાને ઝડપી લીધો હતો.પોલીસ દ્વારા ઝડપાયેલા શખ્સ પાસેથી સાત ઓપનવેલ પંપ(ડેટકા) સહિત રૂપિયા ૧૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે લીધો છે. હાલ પોલીસ દ્વારા એ પણ તપાસ ચલાવવામાં આવી રહી છે કે ઝડપાયેલ શખ્સ કેટલા સમયથી ચોરીના ગુના આચરતો હતો સાથે જ અન્ય ક્યાં ક્યાં ચોરીના ગુનામાં સંડોવાયેલો છે.તે સહિતની ઝીણવટ ભરી તપાસ હાલ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.