માળીયા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી : પોલીસે સ્થાનિક.લોકોની મદદથી ક્રેઇન વડે કન્ટેનર હેઠળ ગાડીમાં દબાયેલા ત્રણ મૃતકોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડયા માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામ નજીક આજે બપોરના સમયે કન્ટેનર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં કારમાં બેઠેલા ત્રણ લોકોના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.માળીયા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી અને પોલીસે સ્થાનિક.લોકોની મદદથી ક્રેઇન વડે કન્ટેનર હેઠળ ગાડીમાં દબાયેલા ત્રણ મૃતકોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડયા છે. આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર અંગે સૂત્રો આજે બપોરના સમયે માળીયા તાલુકાના ખાખરેચી ગામ નજીક અણિયારી ચોકડી પાસેથી સ્વીફ્ટ કાર નં. GJ-36-B-0474 અને કન્ટેનર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કચ્છ જઈ રહેલા કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર નીચે કાર ચગદાઈ ગઈ હતી.કન્ટેનર આખું કાર ઉપર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો.આ ગોઝારા અકસ્માતમાં કારમાં બેઠેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.આ ઘટનાની જાણ થતા માળીયા (મી.) પીએસઆઇ ટાપરિયા સહિતનો પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે, કાર ઉપર આખું તોતીગ કન્ટેનર પડ્યું હોય અને મૃતકો કારની અંદર હોવાથી પોલીસે જીસીબી અને બે હાઈડ્રોલિક ક્રેઇન વડે સ્થાનિકોની મદદથી મહામહેનતે કન્ટેનર ઉચકાવ્યું હતું અને કારમાં રહેલા મૃતકોને બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે.આ બનાવમાં ત્રણ મૃતકોના નામ રહેઠાણ સહિતની વિગતો મેળવાઈ રહી છે. આ ગોઝારા અકસ્માતમાં એકસાથે ત્રણ લોકોના મોત થતા ભારે અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે માળીયા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.