મોરબી જિલ્લા એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી: બે જીવતા કાર્ટીસ પણ મળી આવ્યા હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે રહેતો શખ્સ દેશી પિસ્તોલ સાથે ફરી રહ્યો હોવાની બાતમી મળતા મોરબી જિલ્લા એસ.ઓ.જી પોલીસે વોચ ગોઠવી હતી અને હથિયાર સાથે આ શખ્સને ટીકર થી ઘાટીલા જવાના રોડ પાસેથી ઝડપી લીધો હતો. આ ઝડપાયેલો શખ્સ પાસેથી એક દેશી પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ મળી કુલ રૂપિયા ૨૦,૨૦૦નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા એસ.ઓ.જી. ટીમના ભરતસિંહ ડાભી, કે. જી. મકવાણા સહિતનાઓ દ્વારા બાતમીના આધારે હળવદ તાલુકાના ટીકર ગામે નવા પ્લોટમાં રહેતા આમીનભાઈ રફિકભાઈ (ઉંમર વર્ષ ૨૪)ને ટીકરથી ઘાટીલા ગામ જવાના રસ્તા પર આવતી નર્મદા કેનાલ પાસેથી દેશી પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સની તપાસ કરતા તેની પાસેથી બે જીવતા કાર્ટીસ પણ મળી આવ્યા હતા. જેથી, પોલીસ દ્વારા આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.