વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઘીયાવડ પ્રાથમિક શાળા, સી.આર.સી.-જુના કણકોટ દ્વારા દિન વિશેષ અને તહેવારોની ઉજવણીના ભાગ રૂપે 'ઘરે બેઠા રાખડી સ્પર્ધા'નું આયોજન હોમ લર્નિંગના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના સમયમાં વર્ચ્યુઅલ ક્લાસ, ઘરે શિખીએ બુક, દૂરદર્શન - વૉટ્સઅપ અને યુ ટ્યુબના માધ્યમથી ઓનલાઇન શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ સહ અભ્યાસિક પ્રવૃતિઓ સાથે જોડાઈને નવીન ઊર્જા અનુભવે અને સર્જનાત્મક કલા કૌશલ્ય વિકસે, તે હેતુથી આયોજન કરેલ રાખડી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપ્યું હતું. સી.આર.સી. કૉ. ઓ. ગિરિરાજસિંહ ઝાલાના સતત મોનીટરીંગ અને માર્ગદર્શનના અનુસંધાને સ્પર્ધા સફળ રહી હતી. કોરોના મહામારીથી બચવાના સાવચેતી રૂપ પગલાંઓને ધ્યાનમાં રાખીને વિજેતાઓને ઈનામ આપવામાં આવશે, તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવ્યું છે.