ઉમા એગ્રો એજન્સી નામની દુકાન ધરાવતા શખ્સ સામે ખેતીવાડી અધિકારીએ નોંધાવી ફરિયાદ મોરબી : મોરબીમાં બોગસ બિયારણ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉમા એગ્રો નામની દુકાનમાંથી ખેતીવાડી અધિકારીએ રૂ. 17 લાખનો નકલી બિયારણનો જથ્થો પકડી પાડી દુકાનદાર સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે સરદાર રોડ ઉપર રવિ ચેમ્બર્સમાં આવેલ બિયારણના વિક્રેતા ઉમા એગ્રો એજન્સી દ્વારા નકલી બિયારણ વેચવામાં આવતું હોવાનું ધ્યાને આવતા ખેતીવાડી અધિકારી ચંદ્રેશ લુહાર દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દુકાન ઉપર દરોડો પાડી ભેળસેળ વાળા તથા ભળતા નામ વાળા અનઅધિકૃત તથા સરકારની માન્યતા વગરના બિયારણ જેમાં કિશન 555ના કુલ 100 પેકેટ કિંમત અંદાજે રૂ. 73,000, વર્ષા 151 (એફ 1)ના કુલ 47 પેકેટ અંદાજે કિંમત રૂ. 34,310, કપાસ લૂજ બિયારણ 1000 કીગ્રા અંદાજે કિંમત રૂ. 16,22,222 મળી કુલ રૂ. 17,29,532નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ખેતીવાડી અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એગ્રો સંચાલક બીપીનભાઈ ડુંગરભાઈ વડાવીયા સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.