આમ આદમી પાર્ટી તથા સ્થાનિક 21 વેપારીઓ દ્વારા રજુઆત મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર બાપા સીતારામ ચોક સામે રહેલ ખુલ્લી ગટરની સમસ્યા દૂર કરવા અંગે આમ આદમી પાર્ટી તથા સ્થાનિક 21 વેપારીઓ દ્વારા રજુઆત તથા વિરોધ પ્રદર્શનની ચીમકી આપવામાં આવી છે. આજ રોજ તારીખ 05-Aug-2020 ના દિવસે આમ આદમી પાર્ટી મોરબી શહેરના યુવા પ્રમુખ રાજન ગામી તથા પાર્ટીના યુવા કાર્યકર મૌલિક વડાવિયાની આગેવાની હેઠળ રવાપર રોડ બાપાસીતારામ ચોક ગીતા કોમ્પ્લેક્સની બાજુમાં રહેલ ખુલ્લી ગટરના પ્રશ્ને તે વિસ્તારના સ્થાનિક 21 વેપારીઓએ મોરબી નગરપાલિકાને આવેદન આપેલ છે. આ આવેદનમાં રજુઆત કરવામાં આવેલ છે કે આ પ્રશ્ન અંગે વારંવાર અપીલ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ ખુલ્લી ગટરની સમસ્યાથી અતિ દુર્ગંધ ફેલાય છે જેના લીધે આસપાસના વેપારી વર્ગ તથા રહીશો પરેશાન છે તથા વેપારીને ત્યાં આવતા ગ્રાહકો પણ પરેશાની ભોગવી રહ્યા છે. આ સમસ્યાના લીધે મચ્છરનો પણ ઉપદ્રવ થાય છે. જેથી, આરોગ્યની સમસ્યા જેમ કે મેલેરિયા તથા ડેંગ્યુ જેવો રોગચાળો પણ ફેલાય છે અને ખુલ્લી ગટર હોવાથી કચરો પણ ત્યાં ઠાલવવામાં આવે છે. વધુમાં, જણાવ્યું છે કે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે. જેના માટે મોરબી નગરપાલિકાને 20 દિવસનો સમય આપવામાં આવેલ છે. તથા જો નિર્ધારિત સમયગાળા દરમિયાન કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ના આવે તો આ ખુલ્લી ગટરની સમસ્યાથી સ્થાનિક જનતા ત્રાહિમામ પોકારી ગયેલ હોઈ સ્થાનિક લોકો વીરોધ પ્રદર્શન કે આંદોલનના માર્ગે પણ જઈ શકે છે. જેની બધી જ જવાબદારી મોરબી નગરપાલિકાની રહેશે આવી રજુઆત કરવામાં આવેલ છે. મોરબીના સ્થાનિક 21 વેપારીઓએ આવેદન પત્ર આપેલ છે. જેમાં વિઝન ઇન્ટિરિયર, રાધે સ્ટુડિયો, રુદ્ર ગ્રાફિક્સ, આત્મીય કમ્પ્યુટર, લેપટોપ પોઇન્ટ, રુદ્ર ઈન્ફોટેક, રુદ્ર મોબાઈલ વર્લ્ડ, બંસી એસેસરીઝ, હરભોલે ઓટો, પટેલ કલર, બંસી મોબાઈલ, ઇન્ડિયન સલૂન, શીતળ મલાઈ, બંસી એન્ટરપ્રાઇઝ, ચાંદની સીઝન સેંટર, ભવ્ય કમ્પ્યુટર, મહેશ પાન, ગોરધનભાઈ ચેવળાવાળા, ભરત પાન, ગીતા પાન તથા ભાવેશ ઇલેક્ટ્રિકનો સમાવેશ થાય છે.