વૈવિધ્યપૂર્ણ ઇકો ફ્રેન્ડલી પાત્રો બનાવવામાં નિપુર્ણતા ધરાવતા દયાલજીભાઈ આજે ટેકનોલોજીના યુગમાં પણ નવા કારીગરોને માટીકલા શીખવી તેના વારસાને જાળવી રાખવા પ્રયત્નશીલ ટંકારા : ટંકારાના રહેવાસી દયાલજીભાઈ પ્રજાપતિ પ્રાચીનતા અને આધુનિકતાનો સમન્વય સાધી માટીકલાને જીવંત રાખી રહ્યા છે. તેમજ તેઓ વૈવિધ્યપૂર્ણ ઇકો ફ્રેન્ડલી પાત્રો બનાવવામાં નિપુર્ણતા ધરાવે છે. ઉપરાંત તેઓ નવા કારીગરોને શીખવી માટીકલાના વારસાને જાળવી રાખવા પણ પ્રયત્નશીલ છે. ટંકારાના માટીકલાના કલાકાર દયાલજીભાઈ પ્રજાપતિ અનેક અવનવી ડિઝાઇન સાથે માટીના પાત્રો બનાવે છે. તેઓ માટલા અને તાવડી ઉપરાંત વિવિધ પ્રકારની ફુલદાની, અતરદાની, ભાતીગળ ભાતવાળા માતાજીના ગરબા, પક્ષીઓ માટે દાણાદાની પાનીદાની સહિતની અનેક કલાત્મક ચીજ-વસ્તુઓ બનાવે છે. તેઓ ટેરાકોટા (પકવેલી માટી)માંથી ડીનર સેટ, ઠંડા પાણીની બોટલો પણ ઘડી આપે છે. સાથે કોઈ વ્યક્તિની સ્પેશિયલ ડીમાન્ડ હોય તો પણ ચિત્ર જોઈને કે નમૂના જોઈને તેવી જ સમાન વસ્તુ કંડારી આપે છે. મિત ઈન્ડસ્ટ્રીઝના દયાલજી પ્રજાપતિએ મૂળભુત કલાના જીવ છે. તેઓ માટીકલાને જીવંત રાખવા વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ હાથ બનાવટના કારીગરોને સહકાર અને સહાય સાથે નવા કારીગરોને તાલિમ આપવાનુ કાર્ય પણ કરે છે. તદ્પરાંત, હાથથી ચાલતા ચાકડાને ઈલેક્ટ્રોનિક મોટરથી ચલાવી સમય અને શક્તિનો દુર્વ્યય અટકાવે છે. તેમજ જુનવાણી ભઠ્ઠીમાં જે કામ 15 મણ લાકડા અને બે દિવસે થતુ, એ 6 મણ લાકડામા એક દિવસે થઈ જાય છે. વધુમાં, એ લાકડા પણ પેકિંગ બોક્સ કે વેસ્ટેઝ કચરામાંથી ઉપયોગમાં લેવાય છે. જેથી, પર્યાવરણને પણ નુકસાન થતુ અટકાવી શકાય છે. આમ, પ્રાચીન એવી માટીકલામાં આધુનિકતા સાંકળીને ઉત્પાદન ખર્ચ ઘટાડવાના પ્રયાસો પણ દયાલજીભાઈ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. તેમજ તેઓને વારસામા મળેલ માટીકલાને જાળવી રાખી છે. અને તેઓ નવલોહિયા કારીગરોને પણ મદદરૂપ બને છે. ત્યારે તેઓએ કલાને જીવંત રાખવા, કલાકારોને સહાયરૂપ થવા અને પર્યાવરણને બચાવવા માટે ઈકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ વધારવા અપીલ કરી છે. માટીકલા સંદર્ભે દયાલજી પ્રજાપતિનો મો.નં. 99090 64770 પર સંપર્ક સાધી શકાય છે.