(હિટ વિકેટ.. નિલેશ પટેલની કલમે) આપણે એ જ દુનિયા માં રહીએ છીએ જ્યાં એક સમય એવો હતો કે ખરાબ માં ખરાબ કહી શકાય એવા વ્યક્તિઓ માં પણ લાગણી અને માનવતા તો ભરપૂર હતી જ .. જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે બધા એક બીજા ની સાથે ખભે ખભો મિલાવી ને ઉભા રહેતા અને કેટલાક નૈતિક સિદ્ધાંતો હતા જે ક્યારેય કોઈ પણ વ્યક્તિ તોડતા નહોતા અને તેના જ પરિણામે કોઈ પણ સમસ્યા ટકી નહોતી શકતી પરંતુ એ જ દુનિયા માં આજે સ્થિતિ કાંઈક જુદી જ જોવા મળી રહી છે સામુહિક સમસ્યા તો દૂર ની વાત રહી પણ મોટાભાગ ના લોકો માનસિક રીતે થાકી ગયા છે દરેક વ્યક્તિ ને કોઈ ને કોઈ તકલીફ સતાવી રહી છે પછી એ વ્યક્તિ કોઈ આમિર પરિવાર ની હોય કે અત્યંત ગરીબ પરિવાર ની ...કોઈ ને શારીરિક તકલીફો એ થકવી નાખ્યા છે તો કોઈ ને મન ની તકલીફ સતાવી રહી છે .. પરિવાર માં પણ એકતા અને એકબીજા પ્રત્યે ની લાગણી અને સંવેદના નો અભાવ જોવા મળી રહ્યો છે અને આપણે આ બધી જ બાબતો ને કલિયુગ નો પ્રભાવ ગણાવી ને વાત નો જડમૂળ થી છેદ ઉડાડી ને ભારે મન સાથે આગળ વધી રહ્યા છીએ તો સવાલ હવે એ થાય છે કે જો દુનિયા એ જ છે તો આટલો મોટો ફેરફાર કેમ જોવા મળી રહ્યો છે ? .. મારું માનવું છે કે પહેલા પૈસા એ વ્યવહાર માત્ર હતો કિંમત માણસ અને માણસાઈ ની હતી તેથી જ કોઈના પણ ઉપર આર્થિક નુકસાન નો પ્રભાવ ક્યારેય પડતો નહોતો .. પરિવાર કે સગા સંબંધીઓ ની કિંમત ધન કરતા ખૂબ વધુ હતી ને એટલે ધનમોહ જેવું કંઈ જ નહોતું સહિયારા ની ભાવના હતી સંયુક્ત પરિવારો હતા અને એક બીજા ના ટેકે સૌ સારી રીતે ખુશીખુશી જીવન પસાર કરતા હતા પરંતુ હવે સ્થિતિ એ છે કે મારું શું ? આ સવાલ બધા ના મન અને મગજ પર હાવી થઈ ગયો છે અને મારું શબ્દ આવતા જ આપણે એકલા થઈ ગયા છીએ અનેક પરિવારો એવા છે કે કરોડો રૂપિયા તો છે પરંતુ માતાપિતા સંતાનો થી દુર રહેતા હોય છે તો સગા વહાલા સાથે ના સંબંધ પણ મારું શું એ વિચારી ને જ નક્કી કરવામાં આવે છે એટલે આજે સંબંધ માં લાગણી નું સ્થાન સ્વાર્થ એ લઈ લીધું છે સ્વાર્થ માં અંધ બની ને આપણે આપણા થી અંતર વધારી લીધું છે એક જ પરિવાર માં રહેતા લોકો માં પણ એ હદે વિચારભેદ જોવા મળી રહ્યો છે કે હવે આપણને કોઈ ની ખૂબી દેખાતી જ નથી ફક્ત ખામીઓ જ દેખાય છે અને એટલે જ કદાચ બધું જ જ્ઞાન હોવા છતાં આપણે એ નથી કરી શકતા જે ખરેખર હોવું જોઈએ સમય સાથે ભૌગોલિક વિકાસ ના નામે આપણે પ્રકૃતિ નું પણ નિકંદન કાઢી નાખ્યું છે ને એટલે જ આપણા શરીર અને મન ને અનેક રોગો એ ઘેરી લીધા છે નિતનવી શારીરિક અને માનસિક મુશ્કેલીઓ આવતી જ રહે છે ને આપણે એમાં થી બચવા માટે ધમપછાડા કરી રહ્યા છીએ તેમાં પણ મારું શું એ સવાલ તો આવી જ ગયો છે એટલે આજે આપણને આપણું દુઃખ કે તકલીફ જ દેખાય છે બીજા ની તકલીફો માટે આપણે જજ બની ને કોઈ ને કોઈ કારણ ને જવાબદાર ગણાવી ને ખરેખર તો આપણે ખુદ ને જ બેવકૂફ બનાવીને રાજી થઈ જઈએ છીએ દંભ અને દેખાડો એ આપણા સ્વાર્થ નું જ પરિણામ છે આપણી પાસે ગમે એટલું હોય એનો દેખાડો શા માટે ? .. અને મારી પાસે એટલું છે કે મને કોઈ તકલીફ જ નથી એવો દંભ શા માટે ? .. આ રીતે જીવવાથી આપણને ફાયદો શુ થશે એ એક વખત શાંત મન થી વિચારવાની જરૂર છે .. જો આ સવાલ ના સાચા જવાબ મળી જશે તો પછી ક્યાંક કથા માં જ્ઞાન લેવા જવાની જરૂર જ નહીં રહે ખુદ વિચારી જુવો તમે ગમે એમ જીવો અંતે તો સત્ય નો સ્વીકાર કરવો જ પડશે કે આ આપણી ભૂલ હતી તો અત્યાર થી જ કેમ નહીં ? પરિવાર માં પણ દંભ શા માટે ? .. હું જ શ્રેષ્ઠ ની માન્યતા જેટલી જલ્દી આપણામાંથી નીકળશે એટલા જ જલ્દી આપણે માનસિક શાંતિ ની દિશા માં આગળ વધી શકીશું પોતાના ને નીચા દેખાડનાર પોતે જ નીચે પડે છે અને એ જ સનાતન સત્ય છે હું કહું એમ જ બધા કરે એના કરતાં પરિવાર નું સુખ જેમાં હોય એ કરવું વધુ યોગ્ય છે ખુશી આપવાથી જ ખુશી મેળવી શકાય છે એ ક્યારેય ન ભૂલવું જોઈએ આજે માણસ પોતાના ને ખુશ રાખી નથી શકતો ને મોટા મોટા વક્તાઓ પાસે જીવન નું જ્ઞાન લેવા પહોંચી જાય છે પણ એ ભૂલી જાય છે કે જ્ઞાન જીવન માં અમલી બને તો જ કામ નું બાકી તો વ્યર્થ જ છે પોતાના માતાપિતાને સાચવી નથી શકતો ને ધર્મીક સ્થળો એ કરોડો નું દાન આપી ને પોતાનું નામ મોટું કરવા પ્રયાસ કરતો રહે છે પરંતુ એ ભૂલી જાય છે કે ભગવાન ત્યારે જ રાજી છે જ્યારે તમે તમારા પરિવાર અને સગા વહાલા ને રાજી રાખી શકો મંદિર માં ધર્માદો કરવાથી તમે સારા વ્યક્તિ નથી બની જતા સારા બનવા માટે શંકર થવું પડે છે પણ અહીં તો બધા બીજા ને જ ઝેર પીવડાવવા માંગે છે તો આમાં માનવ ની માનવતા ક્યાં રહી ? સૌથી મોટી તપસ્યા એ જ છે કે આપણે બધા ની ખુશી નું માધ્યમ બનીએ પરંતુ આપણા માટે તો આપણું ધન જ આપણી પ્રગતિ છે અને રુઆબ એ જ આપણું ઘરેણું તો આમાં તો મન ની શાંતિ ક્યાંથી મળશે આજ ના સમય માં દરેક સંબંધ ની મર્યાદા ભૂંસાઈ ગઈ છે ને લખવા બેસીએ તો કદાચ કેટલાય પુસ્તક લખાઈ જાય પણ ભૌતિકવાદ માં આપણા માં ઘર કરી ગયેલ માન્યતાઓ ની થોકબંધ કહાનીઓ અને ઉદાહરણ પુરા નહીં જ થાય એટલે વધુ તો નથી કહેતો પરંતુ એકવાર ખુદ ને મૃત માની ને તટસ્થતા થી આપણા પછી ની સ્થિતિ નો વિચાર કરી લેજો પછી તમને કદાચ સમજાઈ જશે કે તમે શું છો .. બસ એ સમજાઈ જાય તો તમે યોગ્ય રસ્તે છો આગળ વધો .. ક્યારેક પરિવાર સગા સંબંધીઓ કે સ્નેહી ને ખુશ રાખવા પ્રયાસ કરજો ખૂબ કઠિન લાગશે પણ જે દિવસે એવું કરતા આવડી જશે તે દિવસે મન ની શાંતિ માટે ક્યાંય દોડાદોડ કરવાની જરૂર જ નહીં રહે .. જયહિંદ, નિલેશ પટેલ મોરબી