મોરબી જિલ્લાના ખેડૂતો રવિવારે એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને ડિજિટલ આંદોલન વેગવતું બનાવશે મોરબી : વિવિધ કૃષિ પ્રશ્નોને લઈને ગુજરાત ભરમાં ખેડૂતો આક્રોશમાં છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે પણ ખેડૂતોએ પોતાની માગણીઓને વળગી રહીને સમય અનુસાર અલગ રીતે વિરોધ દર્શાવી રહ્યા છે. જેમાં ગુજરાતભરમાં ખેડૂતો વીમા માફી દેણા માફી અને ખેડૂત આગેવાન પર થયેલ અત્યાચારના મુદ્દાને લઈને છેલ્લા ઘણા સમય થયા ડિજિટલ આંદોલન કરી રહ્યા છે અને ડિજિટલ સભાઓ ભરી સોશિયલ નેટવર્ક મારફતે આંદોલનને વેગવંતુ બનાવ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના ખેડૂતો એક દિવસના પ્રતિક ઉપવાસ કરીને ડિજિટલ આંદોલનમાં જોડાશે. આવતીકાલે તા.19 ને રવિવારના રોજ મોરબી જિલ્લાના ખેડૂતો એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી ડિજિટલ આંદોલનને વેગવંતુ બનાવવા કમર કસી રહ્યા છે અને પોતાનો આક્રોશ ઠલાવી રહ્યા છે. આ મુદ્દે ખેડૂત આગેવાન કુલદીપસિંહ જાડેજા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રણ મુખ્ય માંગણીઓને લઇને ડિજિટલ આંદોલન ચાલી રહ્યું છે. જેમાં રવિવારના દિવસે મોરબી જિલ્લાના ખેડૂતો આ આંદોલનમાં જોડાઈ અને ખેડૂતને માગણીઓને ન્યાય અપાવવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન કરીશ. મોરબી જિલ્લાના સુલતાનપુર, નાના ભેલા, વાધરવા, વિર વિદરકા, કોયલી, હડમતીયા, વાંકાનેર, ટંકારા, માળીયા મીયાણા, હળવદ, મોરબી તાલુકાના ગામડાઓના ખેડૂતો આ આંદોલનને વેગવંતુ બનાવવા આંદોલનમાં જોડાનાર છે. આ આંદોલનમાં વધુ ખેડૂતો જોડાવા માંગતા હોય તેઓએ કુલદીપસિંહ જાડેજા 82000 32205 ને જાણ કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.