ભૂતકાળમાં પણ મૃતકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો : બનાવની પોલીસ તપાસ ચાલુ હવે પતિ આપઘાત કરશે તો બે છોકરીઓને લઈને ક્યાં જઈશ, તેવો પરિણીતાને ભય લાગ્યો મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં એક મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક મહિલાએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હવે પતિ આપઘાત કરશે તો બે છોકરીઓને લઈને ક્યાં જઈશ, તેવો પરિણીતાને ભય લાગ્યો હતો. આવી બીકે મૃતકે અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ રાજ્યના જાબુંવા જિલ્લાના કાલીદેવી તાલુકાના ખજુરખો ગામના વતની તથા હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામમાં આવેલ જય ખોડીયાર મિનરલ કંપનીમાં મજૂરી કામ કરતા અને લેબર કવાર્ટસમા રહેતા સરમેશભાઇ કીડીયાભાઇ નિનામા (ઉ.વ. ૨૩)ના પત્ની ભુરાબેને ગઈકાલે તા. 16ના રોજ પોતાના રહેણાકના રૂમમાં પંખા સાથે પ્લાસ્ટીકની રસી જેવુ દોરડુ બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ સરમેશભાઇએ મોરબી તાલુકા પોલીસમાં નોંધ કરાવવામાં આવી છે. જેના આધારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની નોંધ મુજબ 2 વર્ષ પહેલા તેઓ પોતાના વતન મધ્યપ્રદેશમાં રહેતા હતા. ત્યારે મૃતકના પતિ સરમેશભાઇને ટેન્શન જેવુ રહેતુ હતું. જેથી, તેનું મગજ કામ કરતુ ન હતું અને તે કાંઈ કામ ધંધો કરી શકતો ન હતો. તે વખતે ભુરાબેને ઘરે ગળે ફાંસો ખાવાની કોશિશ કરેલ હતી. તે વખતે પતિ સરમેશભાઈને ખબર પડી જતા તેને બચાવી લીધેલ હતી. તેમજ તેને ગુદરેલા ગામે તેના માવતરે મુકી આવેલ હતો. તેના પંદરેક દિવસ બાદ પત્ની ઘરે આવતી રહેલ હતી. ત્યારબાદ પતિ-પત્ની છેલ્લા દોઢેક માસથી મોરબીના જય ખોડીયાર મિનરલમા આવી મજુરી કરતા હતા. ત્યારે પણ મૃતકના પતિને ટેન્શન રહેતુ હતું અને હું મરી જાવ તેવુ થતુ હતું. આ બાબતે તેની પત્નીને વાત કરેલ કે પાછો મારો મગજ ફરે છે અને મરવાનું મન થાય છે. આ વાત જાણીને મૃતકને ભય લાગી આવેલ કે અહીં પરદેશમા મારા પતિને કાઇ થઇ જશે તો હું શું જવાબ આપીશ અને બે છોકરીઓ લઇને ક્યાં જઇશ. આવા વિચારો આવવાના કારણે મૃતક ભુરાબેને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.