મોરબી : મોરબી નગરપાલિકાના કાઉન્સિલર કે. પી. ભાગિયાએ મોરબી જીલ્લામાં ધનવન્તરી રથનું આયોજન હાથ ધરવા અંગે કલેકટર જે. બી. પટેલને રજૂઆત કરી છે. તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા અવિરત વધી રહી છે. જેને ધ્યાનમાં લઇ આ મહામારીને અંકુશમાં લેવા મોરબી નગરપાલીકા અને કલેકટર કચેરીના વડપણ હેઠળના વહીવટી તંત્ર દ્વારા જોઇન્ટ એપ્રોચથી સામુહિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જે માટે 3 માસ માટે હંગામી ધોરણે તબીબોની તત્કાલીન ભરતી કરી મોરબી જીલ્લાને આવરી લઇને ધનવન્તરી રથોમાં રાઉન્ડ ધ કલોક સાથે તબીબોની નિમણુંક કરી હતી. લોકડાઉનના સમર્થનમાં પ્રજાજનોએ આપેલ યોગદાનના ભાગરૂપે આ મહાભયંકર કોરોનાને કાબુમાં લેવા બીપી, ડાયાબીટીસ કે અન્ય પ્રકારની બીમારીઓનો ફેલાવો અટકાવવા દર્દીઓને ઘેરબેઠા સારવાર આપવામાં આવે છે. આ સાથે આ દર્દીઓમાં કયા પ્રકારનો રોગ છે, તેનો સર્વે કરવા સાથે સરકારની આયુષમાન યોજના અંતર્ગત ધનવન્તરી રથો સાથે ઓપીડી વિભાગ દ્વારા એલોપેથી, આયુર્વેદિક કે હોમીયોપેથીક દવાઓ વિનામૂલ્યે કે નજીવા દરે પુરુ પાડવાનું ત્વરિત આયોજન હાથ ધરવાની અપીલ કરવામાં આવી છે. મોરબી નગરપાલીકા એકઝીકયુટીવ ચેરમેન કે. પી. ભાગીયા એ મોરબી જીલ્લામાં વસવાટ કરતા નાગરીકોની સ્વાસ્થ્ય સબંધી ધનવન્તરી રથો દ્વારા કાળજી લેવાય તેવી માંગણી કરી છે. જરૂર જણાયે સ્વૈચ્છિક સંસ્થાઓ આ પરોપકારી કાર્યમાં જરૂરી યોગદાન આપશે તેવો વિશ્વાસ દાખવ્યો છે.