પહેલેથી ખરાબ રોડની વરસાદના પાણીથી બુરી દશા : વાહન ચાલકોની માઠી દશા મોરબી : મોરબીના ગાળા ગામથી શાપર ગામ સુધીનો લાંબા રોડ અગાઉથી ખરાબ હાલતમાં છે. ત્યારે હમણાંથી છૂટો છવાયો વરસાદ પડતાં આ રોડની વધુ બુરી દશા થઈ ગઈ છે. રોડના ખાડા ખબડામાં પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. તેથી, સંબધિત તંત્ર વહેલી તકે આ રોડનું યોગ્ય સમારકામ કરે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.મોરબીના ગાળા ગામના પાટીયાંથી શપાર ગામને જોડતો આશરે આશરે 4 થી 5 કિમિનો લાંબો માર્ગ ખખડધજ હાલતમાં છે. સ્થાનિકોએ રોડની ખરાબ દુર્દશા અંગે બળાપો ઠાલવ્યો હતો કે, આ રોડ છેલ્લા ઘણા સમયથી નવો બન્યો નથી. આ આખો રોડ ધૂળીયો છે અને ઠેરઠેર ખાડા પડી ગયા છે. તેથી, વાહન ચાલકોની મુસીબતોનો પાર રહ્યો નથી. ત્યારે, હમણાંથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો હોવાથી આ રોડની અત્યંત ખરાબ દુર્દશા થઈ ગઈ છે. રોડ ઉપર અગાઉ નખાયેલી માટી વરસાદના પાણીથી ચીકણી થઈ ગઈ છે. અને વરસાદના પાણી રોડના ખાડામાં ભરાય રહેવાની સાથે ગારા કિચડની સમસ્યા સર્જાય છે. આ રોડ ઉપર સીરામીકના 10 જેટલા યુનિટો આવેલા છે. ઉપરાંત રોડની વચ્ચે આવેલું નાલું પણ જોખમી બની ગયું છે. તેથી, સીરામીકમાં કામ અર્થે અપડાઉન કરતા લોકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેથી, જવાબદાર તંત્ર આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.