ઉચ્ચ અધિકારી તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લે તે જરૂરી : બ્રિજેશ મેરજા મોરબી : મોરબીમાં વધતાં જતાં કોરોનાના કેસ સબબ પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને ભાજપના જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા જિલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર અને મોરબી સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ સાથે પરામર્શમાં રહીને કોરોના પ્રસરતો અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ અંગે વધુ તકેદારી જરૂરી હોય તેમજ કોરોનાના પોઝિટિવ દર્દીને સરકારી હોસ્પીટલમાં મુશ્કેલી ન પડે અને અગાઉ આવો કિસ્સો બહાર આવેલો તેનું પુનરાવર્તન ન થાય તે માટે મોરબી સરકારી હોસ્પિટલના સત્તાવાળાઓને ખાસ તાકીદ કરવામાં આવેલી પરંતુ મોરબી સરકારી હોસ્પીટલમાં હાલના વર્કલોડને કારણે જે મુશ્કેલીઓ ઊભી થાય છે તેનો ઉકેલ લાવવો અનિવાર્ય છે. આથી, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને રૂબરૂ મળીને મોરબીની કોરોના અને સરકારી હોસ્પિટલની વિગતોથી માહિતગાર કર્યા હતા. તેના પરિપાકરૂપે તાકીદે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે તેમજ સ્થાનિક સરકારી હોસ્પિટલ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે પરામર્શ કરી કોરોનાનું સંક્રમણ થતું અટકાવવા જરૂરી નિર્ણયો કરાશે તેમજ સરકારી હોસ્પીટલમાં દર્દીઓને થતી પરેશાની નિવારવા જરૂરી પગલાં લેવાશે.વધુમાં, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તેમજ પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્રએ બહાર પાડેલ નોટિફિકેશનનો સુચારું અમલ થાય તેમજ નાગરિકો પણ કોરોના સંબંધી રાજ્ય સરકાર અને ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ વર્તીને મોરબી વિસ્તારમાં કોરોનાને પ્રસરતો અટકાવવા પ્રજાજનો સ્વયમ જાગૃતિ કેળવે તેવી અપીલ લોકોને કરી છે.