સ્થાનિકો રજુઆત કરવા પાલિકા કચેરીએ દોડી ગયા પણ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી લોકોના રોષ મોરબી : મોરબીના શનાળા બાયપાસ પર આવેલા લાયન્સનગર સહિતના વિસ્તારોમાં ઘણા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા મામલે સ્થાનિકો રજુઆત કરવા પાલિકા કચેરીએ દોડી ગયા હતા. પણ પાલિકા કચેરીએ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો અને પાલિકામાં ભૂગર્ભ ગટર, લાઈટ, સફાઈ સહિતના પ્રશ્ને તંત્રના પાપે પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડતી હોવાનો બળાપો ઠાલવ્યો હતો. મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર, ગોકુલનગર સહિતના આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની ભયકર સમસ્યા સર્જાય છે. ભૂગર્ભ ગટર ઉભરાવવાની સાથે લાઈટ, સફાઈ સહિતના પ્રશ્નોથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જોકે આ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે. ગટરના પાણી આ વિસ્તારોમાં ફરી વળતા બેસુમાર ગંદકી ફેલાય રહી છે. તેથી, કોરોના કરતા સ્થાનિક લોકોને ગંદકીથી આરોગ્ય જોખમાવવાનો વધુ ભય લાગે છે. આ ગટરની ગંદકી મામલે અગાઉ પાલિકા તંત્રને અનેકવાર રજુઆત કરી છે અને સ્થાનિક મહિલાઓએ નાછૂટકે પાલિકા કચેરીમાં મોરચો પણ માંડ્યો હતો. પણ નિભંર તંત્રએ સ્થાનિકોની દરેક રજુઆતોનો ડૂચો વાળી દીધો હતો અને અનેકવાર રજુઆત પછી પણ આ વિસ્તારોમાં ગટરની ગંદકીનો પ્રશ્ન ઠેરનો ઠેર જ રહેતા આજે ફરી સ્થાનિકો રજુઆત કરવા પાલિકા કચેરીએ દોડી ગયા હતા. પણ જવાબદાર અધિકારી હાજર મળ્યા નહતા. અંતે લોકોએ હાજર સ્ટાફને ગટરની ગંદકી મામલે તંત્રને યોગ્ય પગલાં ભરવાની રજુઆત કરી બળાપો ઠાલવ્યો હતો.