108 એમ્બ્યુલન્સ સેવાની ટીમે માતા અને બાળક માટે જહેમત ઉઠાવી માનવતા મહેકાવી ટંકારા : કોટડા નાયાણીના વાડી વિસ્તારમાં 4 કિલોમીટર જેટલું ચાલીને ટંકારા 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમે ગર્ભવતી મહિલાને ડિલીવરી કરાવી હતી. હાલમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે. ટંકારા ઈમર્જન્સી ૧૦૮ને મિતાણા-વાકાનેર રોડથી નજીકના કોટડા નાયાણી સીમ વિસ્તારમાં પરપ્રાંતી ગર્ભવતી મહિલાને પ્રસુતિની પીડા ઉપડ્યાનો ફોન આવ્યો હતો. આથી, પાઈલોટ કેતનસિંહ અને ડો. રૂબિયાબેન ટંકારાથી તાત્કાલિક તે સ્થળે જવા નીકળી ગયા હતા. તેઓ વાડી વિસ્તાર સુધી પહોંચતા વરસાદના લીધે કાદવ હોવાથી એમ્બ્યુલન્સ આગળ જઈ શકે તેમ નહતી. આવા સમયે ૧૦૮ની ટીમે પરત ફરવાના બદલે નૈતિક ફરજ સમજી પ્રસુતાની પીડાનો ખ્યાલ રાખી પગપાળા સગર્ભા સુધી પહોંચવાનું નક્કી કર્યું હતું. આથી, કાદવ વચ્ચે ચાલી ડોકટર અને પાઈલોટે ચાર કિલોમીટર દૂર આવેલા ખેતરના કુબે પહોંચી સગર્ભાની ડિલીવરી કરાવી હતી. આ રીતે 108ની ટીમે સગર્ભા અને બાળક માટે જહેમત ઉઠાવી માનવતા મહેકાવી હતી.