૨૦૫ બોટલ દારૂ, ૧ કાર, ૩ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હળવદ : ગત મોડી રાત્રીના હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની ચોકડી પાસેથી હળવદ પોલીસએ દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસ દ્વારા ૨૦૫ બોટલ દારૂ, એક કાર, ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૬૬,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને હળવદ પોલીસ મથકે લઇ આવી પૂછપરછ કરાતા દારૂ પ્રકરણમાં વધુ એક શખ્સનુ નામ ખૂલતા કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા, સંજયભાઈ લકુમ સહિતના પોલીસ જવાનોને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની ચોકડી પાસેથી દારૂ ભરેલી ફોર્ડ ફિગો કાર નંબર જી.જે-૦૩-ઈસી-૩૪૫૧ શંકાસ્પદ જણાતા, તેમા તપાસ કરાતા ૨૦૫ બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી, પોલીસ દ્વારા તેમાં સવાર ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસ દ્વારા આ દારૂ પ્રકરણમાં જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા (રહે અક્ષરનગર શેરી-૨, રાધાકૃષ્ણ મંદિર પાસે, ગાંધીગ્રામ, રાજકોટ), રણજીતભાઈ અજાભાઈ ભાટીયા (રહે ઘુંટું), દિનેશભાઈ માધાભાઈ કુંભાર (રહે રામપરા) સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં દારૂ આપી જનાર અશોકભાઈ નામના શખ્સનુ નામ ખુલતા કુલ ચાર શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે. હાલ તો પોલીસે ૨૦૫ બોટલ, કિંમત રૂપિયા ૬૧,૫૦૦, ૩ મોબાઈલ કિંમત ૫૦૦૦, એક કાર કિંમત એક લાખ મળી કુલ રૂપિયા ૧,૬૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે જે શખ્સનું નામ ખુલ્યું છે તેને ઝડપી લેવા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.