મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામ પાસે હાઇવે ઉપરથી પગપાળા જઇ રહેલા આધેડને ટ્રક ચાલકે પાછળથી હડફેટે લેતા આધેડને બંને પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા ત્યાં ખૂબ જ ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર બરવાળા ગામના ગોપાલભાઇ રામજીભાઇ બાવરવા પટેલ (ઉ.૫૦) તથા તેમના નાનાભાઈ નિતેષભાઇ રામજીભાઈ બાવરવા પટેલ (ઉ.૪૮) ને બરવાળા ગામ નજીક હાઇવે ઉપર પંચરની દુકાન આવેલ છે. દરમ્યાન ગઈકાલે સાંજના પાંચ વાગ્યાના અરસામાં મૃતક ગોપાલભાઇ રામજીભાઇ બાવરવા તેમના ભાઈને ત્યાં પંચરની દુકાને આવ્યા હતા. અને પછી બરવાળાથી પીપળીયા ચોકડી તરફ જવાના રસ્તે તેએા પગપાળા જતા હતા. ત્યારે ટ્રક નંબર જીજે ૩૬ ટી ૪૦૩૬ ના ચાલકે તેમને પાછળથી હડફેટે લેતા ગોપાલભાઈ બાવરવાને બંને પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી, તેઓને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતુ. આ બનાવને પગલે મૃતકના નાના ભાઇ નિતેષ રામજીભાઈ બાવરવા એ ટ્રક ચાલક વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મેારબી તાલુકા પોલીસ મથક દ્વારા ઘટનાની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.