એક બાજુ લોકડાઉનમાં ધંધા બંધ અને ઉપરથી એક સાથે 15 રેકડીઓમાં ચોરી થતા સામાન્ય ધંધાર્થીઓ વધુ બેહાલ બન્યા મોરબી : મોરબીના સામાકાંઠે સરકારી વસાહત લાલબાગ પાસે આવેલી નાસ્તા બજારમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ નાસ્તા બજારમાં આવેલી એકસાથે 15 જેટલી નાસ્તાઓની રેકડીઓના તાળા તોડી કિંમતી માલમતાની ચોરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. લોકડાઉનના સમયમાં ઘણા સમયથી ધંધા બંધ હોય અને ઉપરથી રેકડીઓમાં ચોરી થતા સામાન્ય ધંધાર્થીઓ વધુ બેહાલ બની ગયા છે. આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક સામે આવેલ લાલબાગ પાસેની ફાજલ જગ્યામાં અનેક નાસ્તાની લારીઓ રાખીને સામાન્ય વર્ગના ધંધાર્થીઓ ઘણા સમયથી ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેથી, આ સ્થળ નાસ્તા બજાર તરીકે ઓળખાય છે. જોકે આ સામાન્ય ધંધાર્થીઓએ રેકડીઓ કાયમી રીતે આ સ્થળે રાખે છે. દરમિયાન ગતરાત્રે આ નાસ્તા બજારમાં તસ્કરો ભારે તરખાટ મચાવ્યો હતો અને તસ્કરોએ આ નાસ્તા બજારની એકીસાથે 15 નાસ્તાની રેકડીઓના તાળા તોડી કિંમતી માલમતા ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના ઘણા સમયગાળાથી અહીં નાસ્તાઓની રેકડીઓ બંધ હતી. લાંબા સમયથી ધંધા બંધ હોવાથી પહેલેથી સામાન્ય ધંધાર્થીઓ આર્થિક રીતે મુશ્કેલીઓમાં હતા. ત્યારે આ સામાન્ય ધંધાર્થીઓ તેમના ધંધા ચાલુ કરવાનું તૈયારીમાં હતા. તે વખતે રેકડીઓમાં ચોરી થતા સામાન્ય ધંધાર્થીઓને વધુ આર્થિક ફટકો પડયો છે. મુખ્ય રોડ ઉપર નાસ્તા બજાર હોવા છતાં રાત્રીના સમયે ચોરીના બનાવો બનતા પોલીસના પેટ્રોલીગ સામે સવાલો ઉઠવ્યા છે.