મોરબી : મોરબીના જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી ફરી ચાલુ કરવવા અંગે રજૂઆત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરવામાં આવી છે. તેઓએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી સી.સી.આઇ. મારફત કરવાનું નક્કી હતું. જે મુજબ મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુકામાં 1 કેન્દ્ર, ટંકારા તાલુકામાં 2 કેન્દ્ર અને માળીયા (મી.) તાલુકામાં 1 કેન્દ્ર ખાતે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી હતી. પરંતુ હાલમાં સી.સી.આઇ. દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરવામાં આવેલ છે. જેથી, ખેડૂતો ખુબ જ મુશ્કેલીમાં મુકાયા છે. વધુમાં, સી.સી.આઇ. દ્વારા ખુબ જ ઓછા ખેડૂતોનો કપાસ ટેકાના ભાવે ખરીદેલ છે. પરીણામે મોટા ભાગના ખેડૂતો આ યોજનાનો લાભ લેવાથી વંચીત રહેવા પામેલ છે. હાલ બજારમાં કપાસનો ભાવ ખુબ જ ઓછો એટલેકે રૂ. 750 થી રૂ. 800 ના ભાવે વેચાઇ રહયો છે. પરીણામે, ખેડૂતોને પારાવાર નુકશાન થઇ રહયુ છે. કારણ કે ખેડૂતોએ આ કપાસ તૈયાર કરવામાં કરેલ પુષ્કળ ખર્ચ અને છોડ ઉપર તૈયાર થયેલ કપાસને વીણવા માટે પણ આ વર્ષે વધારે મજુરી ચુકવવી પડી હોય. ત્યારે ખેડૂતોને પડતર ભાવ પણ મળી રહયા નથી. જેથી, જગતના તાતને આ આથગ નુકશાનમાંથી ઉગારવા માટે સી.સી.આઇ. દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી વહેલી તકે પુન: શરૂ થાય તેમજ આ બાબતે જરૂરી તાત્કાલીક કાર્યવાહી થાય તેવી કિશોરભાઈની ખાસ ભલામણ છે.