મોરબી : ભારત સહિત વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારીને કારણે પુખ્તવયના લોકો શારીરિક-માનસિક અસ્વસ્થતાનો ભોગ બની રહ્યા છે ત્યારે કોરોનાએ બાળકોનું બચપણ પણ છીનવી લીધું હોય તેવો માહોલ વિશ્વભરમાં છવાયેલો છે. જો કે ભારતીય સમાજમાં બાળકોની માનસિક અવસ્થાને લઈને વાલીઓમાં ખાસ જાગરૂકતા કેળવાઈ નથી. આ બાબતને ઉજાગર કરતા નવજાત શિશુ તથા બાળરોગના નિષ્ણાંત ડૉ. મનીષ સનારિયાએ વાલીઓને ખાસ ટિપ્સ આપી છે. ખાસ કરીને હાલ સ્કૂલો બંધ હોવાથી બાળકોમાં સ્ટ્રેસ/ચિંતાનું પ્રમાણ વધી ગયું છે. આ સ્ટ્રેસ ઘટાડવા દરેક વાલીઓએ દરરોજ ઓછામાં ઓછો 20 મિનિટનો સમય બાળકો સાથે પસાર કરવો જોઈએ. વળી દરેક બાળકે તેની રોજની પ્રવૃત્તિનું શિડયુલ બનાવી રાખવું જોઈએ. ઓનલાઈન અભ્યાસ સિવાયના સમયગાળાનો ઉપયોગ કઈ રીતે કરવો તે સુનિશ્ચિત કરવું જોઈએ. બાળક સમજી શકે એવી સરળ બોલીમાં કોરોના મહામારી વિશે તેમને ઉચિત સમજણ આપી કોરોનાથી બચાવના પ્રયાસો વિશે તેઓમાં ભ્રમ-ભય ન ફેલાય એ રીતે વાર્તાલાપ કરવો જોઈએ. જેમ કે એ સજાગતા માટે બાળક 20 સેકન્ડ સુધી હાથ સાફ કરે એ માટે 20 સેકંડનું કોઈ ગીત બનાવી બાળક પાસે ગણગણાવી શકાય. બાળક સારી રીતે હેન્ડવોશ કરે ત્યારે ત્યારે તેમને શાબાશી અને પોઇન્ટ આપી શકાય. ઓછી વખત ચહેરા, આંખો અને નાકને હાથ અડાડે એ માટે બાળકો માટે રસપ્રદ ગેમ બનાવીને ઓછી વખત ચહેરાને સ્પર્શ કરતા બાળકને પોઇન્ટ કે ઇનામ આપી તેમ કરવા પ્રોત્સાહિત કરો. બીમાર કે શરદી-ઉધરસવાળા વ્યક્તિથી ચોક્કસ અંતર રાખવાનું બાળકોને શીખવો અને જો બાળક બહાર ક્યાંય ગયું હોય તો ઘેર આવીને તુરંત જ સાબુથી હાથ ધોવાની ટેવ પાડો. હાલમાં મોટેભાગે ઘરમાં જ રહેતું બાળક ઓનલાઈન વધુ પડતું રહેતું હોય છે ત્યારે અમુક ગેમ્સ કે એપ્સમાં યોગ્ય પેરન્ટલ કન્ટ્રોલ કે અન્ય સેટિંગ ગોઠવી રાખો. મોબાઈલમાં બ્રાઉઝરને સેફ મોડમાં રાખવું. જરૂર ન હોય ત્યારે વેબ કેમેરા ઓફ રાખવા. બાળકને સતત જાણકારી આપો કે કોમ્પ્યુટર કે મોબાઈલમાં અજાણી લિંક પર ક્લિક ન કરવું તથા પોતાની કોઈ જ માહિતી શેર ન કરવી. ઓનલાઈન દરમ્યાન કઈક અસામાન્ય લાગે તો બાળકે તરત જ માતા-પિતાને તેની જાણકારી આપવી. વાલીઓએ ખાસ ધ્યાન રાખવું કે, બાળકને વધારે પ્રમાણમાં તાવ, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળામાં દુઃખાવો, શરીરમાં પીડા, ઝાડા-ઉલટી જેવા લક્ષણો જણાય તો તરત ડોકટરનો સંપર્ક કરવો. આવા લક્ષણો સામાન્ય વાઇરસના ચેપ, મેલેરિયા, કોરોના વાઇરસની બીમારીમાં પણ જણાયા છે. આથી તેનું યોગ્ય નિદાન અને સારવાર કરવી જરૂરી છે. કોરોના વાઇરસને લઈને હાલ વિશ્વમાં બાળકોમાં બીમારીનું પ્રમાણ 2થી 3 ટકા ઓછું છે અને મોટેભાગે બાળકોમાં રિકવરી વધુ પ્રમાણમાં જોવા મળે છે. કોરોનાના સંક્રમણને અટકાવવાના ઉપાયો વિશે જાણકારી આપતા ડૉ. મનીષ સનારીયા જણાવે છે કે, વારંવાર સાબુથી હાથ ધોઈ સેનીટાઇઝરનો ઉપયોગ કરતા રહેવો. જો બાળકને ઉધરસ કે છીંક આવે તો તો મોઢું અને નાકને કોણી કે ટીસ્યુ-રૂમાલ વડે ઢાંકતા શીખવવું. બાળકને શરદી-ઉધરસ હોય ત્યારે અથવા જાહેર સ્થળો પર જઈએ ત્યારે તેમને માસ્ક અવશ્ય પહેરાવવું, જો જે 2 વર્ષથી નાના બાળકને માસ્ક પહેરાવવું હિતાવહ નથી કેમકે તેનાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. બાળકને હંમેશા તાજો અને અનપ્રોસેડ ખોરાક જ આપવો કેમકે તેનાથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના વાઇરસ સામે કુદરતી રક્ષણ મળે છે. લીલા શાકભાજી, કઠોળ, દૂધ, ઘઉં, બાજરી તેમજ ચોખામાંથી બનેલી વાનગીઓ ખવડાવવી હિતાવહ છે. બાળકોને વિટામિન સી. વધુ મળે એ માટે નારંગી, મોસંબી, લીંબુનું શરબત, આમળા, જામફળ, સ્ટ્રોબેરી અને ટમેટા ખવડાવવાનો આગ્રહ વધુ રાખવો જોઈએ. ઝીંકની માત્રા વધે એ માટે આખું અનાજ, દૂધની તાજી બનાવટ, કાજુ-બદામ બાળકોને આપવા જોઈએ. વધુ પ્રમાણમાં મીઠાશ, ફેટ, અને સોલ્ટ આપવાથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને બાળકોને જંકફૂડ, પેકડ ફૂડ અને બહારના કોલ્ડડ્રિન્ક ન જ આપવા જોઈએ અને છેલ્લે બાળક ઓછામાં ઓછી 9થી 12 કલાકની ગાઢ ઊંઘ લ્યે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉપરોક્ત ટિપ્સથી બાળકોને કોરોના સામે રક્ષણ મળશે અને સંક્રમિત થવાના ચાન્સ ખૂબ ઓછા થઈ જશે.