વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફીસરે નોંધાવી ફરિયાદ વાંકાનેર : વાંકાનેરના ઢુવા ગામના સરકારી ખરાબામાં વાવેલા વૃક્ષો કાપીને બે શખ્સોએ ગેરકાયદે બાંધકામ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ વૃક્ષોને કાપીને ગેરકાયદે બાંધકામ કરનાર બે શખ્સો સામે વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફીસરે ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર વાંકાનેર મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા અને રાજમંદિર દિગ્વિજયનગર પેડક વાંકાનેર ખાતે રહેતા કુમારપાળ રણજીતસિંહ ઝાલાએ જુના ઢુવા ગામના રમેશભાઇ મનજીભાઇ મકવાણા, રતીલાલ મનજીભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૦/૦૨/૨૦૨૦ થી તા.૪/૦૭/૨૦૨૦ દરમ્યાન ઢુવા ચોકડી પાસે નેશનલ હાઇવે રોડ પાસે આવેલ સરકારી ખરાબાના જમીનમાં આરોપીઓ ગેરકાયદે પ્રવેશ કરી આ સરકારી ખરાબાની જમીનમાં વાવેલા લીંબડાના વૂક્ષો કાપી નાખ્યા હોવાની ફરીયાદીને ફરીયાદ મળતા તેમણે આરોપીઓને તે જગ્યા પર ફરીથી નહી જવા તથા કોઇપણ કામગીરી નહી કરવા જણાવા છતા આ કામના આરોપીઓએ ફરીયાદી રાજય સેવક હોવાનુ જાણવા છતા હુકમનો અનાદર કરી આ જગ્યામાં ગેરકાયદે પ્રવેશ કરી અનઅધિકૂત રીતે લીમડાના વૃક્ષો કાપી નાખી તે જગ્યાએ ગેરકાયાદે બાંધકામ કરી રાજયસેવકના હુકમનો અનાદર કર્યાની ફરિયાદ નોંધાવી છે. આથી, પોલીસે આ બન્ને શખ્સો વિરુદ્ધ.પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટ ૧૯૮૪ ની કલમ ૩ તથા વૂક્ષ છેદન અધીનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.