પેટા ચૂંટણીની તૈયારી શરૂ થતાં મોરબીમાં કોંગ્રેસમાં ટિકિટ વાંછુઓની દાવેદારી શરૂ થઈ મોરબી : કોંગ્રેસના જુના અને પીઢ કાર્યકર મહાદેવભાઈ સરડવાના યુવા પુત્ર દિલીપભાઈ સરડવાએ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પાસે ટિકિટની દાવેદારી નોંધાવતા ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. કોંગ્રેસની ટિકિટ માટે દાવો નોંધાવનાર યુવા કોંગી આગેવાન દિલીપભાઇના પિતા મહાદેવભાઈ અગાઉ માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. જ્યારે દિલીપભાઈ મોરબી જિલ્લા કોંગ્રેસમાં મહામંત્રી પદની જવાબદારી હાલમાં નિભાવે છે. આ યુવા કોંગી આગેવાને મોરબી આવેલા અર્જુન મોઢવાડીયા સહિતના કોંગી આગેવાનો સમક્ષ મોરબી-માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં કોંગ્રેસ તરફથી પેટા ચૂંટણી માટે અનેક આગેવાનોએ દાવેદારી નોંધાવી ચુક્યા છે. જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી, મોરબી કોંગ્રેસના આગેવાન કે.ડી.બાવરવા, ડો.એલ.એમ.કંજારીયનો સમાવેશ થાય છે. બીજી બાજુ પાસ તરફથી મનોજ પનારા પણ આગામી સમયમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી શકે છે.