ટંકારા : મોરબી-રાજકોટ વચ્ચે પાછલા 2 વર્ષથી ફોરલેન બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે ત્યારે લતીપર ચોકડી નજીક ઓવરબ્રિજ બનાવવાને લઈને એક સર્વિસ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે આ સર્વિસ રોડની નબળી કામગીરીને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ ચોમાસાનો વિધિવત પ્રારંભ જ થયો છે ત્યારે આજે લતીપર ચોકડી પાસે ધોવાઈ ગયેલા સર્વિસ રોડમાં એક કાર ફસાઈ જતા લાંબો ટ્રફિકજામ સર્જાયો હતો. માત્ર કપચી ઉપર મોરમ નાંખી દેવતા ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ આ રોડ ગાડામાર્ગમાં ફેરવાઈ ગયો હોય અહીંથી પસાર થતા સેંકડો વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. મોરબીથી રાજકોટ જતા આ સર્વિસ રોડને પસાર કરવામાં આશરે 30 મિનિટ જેટલો સમય લાગી રહ્યો છે અને ઉબડખાબડ રોડને લઈને વાહનોમાં પણ નુકશાન થઈ રહ્યું છે, ત્યારે માર્ગ-મકાન વિભાગ તંત્ર દ્વારા આ અંગે ત્વરિત કામગીરી કરવામાં આવે એવી લોક લાગણી પ્રબળ બની છે.