કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની એડવોકેટસએ કરેલી રજૂઆત ફળી મોરબી : વર્તમાન સમયમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે ફરજીયાત એપોઈન્ટમેન્ટ મેળવવાનું નકકી કરાયેલ છે. આ વ્યવસ્થાના કારણે કેટલાક લોકો દ્વારા તેનો દૂરઉપયોગ કરવામાં આવે છે તે બાબતે મોરબી રેવન્યુ બાર એસોશીએશનના કારોબારી મેમ્બર યુવા એડવોકેટ મીહીરભાઈ ડી. કુંભારવાડીયા, જયભાઈ જોગર તેમજ સાથી એડવોકેટ જે. જે. કગથરા, રાહુલભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, વિવેક કે. વરસડા દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવેલ હતી. આ રજૂઆતને ધ્યાને લઈને એપોઈન્ટમેન્ટ શિડ્યુલરમાં ઉપલબ્ધ 'Change Appointment Slot' ઓપશન બંધ કરવામાં આવશે. વધુમાં, આ બાબતે જો કોઈ અરજદાર દ્વારા સબ રજીસ્ટ્રાર કચેરીમાં લીધેલ એપોઈન્ટમેન્ટમાં આકસ્મિક કારણોસર તે સમયે આવી શકેલ ના હોય તેવા અરજદારો તથા અન્ય અરજદારો કે જેઓએ એપોઈન્ટમેન્ટ લીધેલ હોય અને જો તેઓ તેમની એપોઈન્ટમેન્ટ બદલવા ઈચ્છતાં હોય તો તેવા અરજદારોએ વ્યાજબી કારણો સહિત અત્રેના ઈ-મેઈલ આઈ. ડી. (aigr-photo@qjaratgov.in) પર ઈ-મેઈલ કરવાનો રહેશે. આ એપોઈન્ટમેન્ટ બદલવા ઈચ્છતાં અરજદારોએ તેઓના સ્વહસ્તાક્ષરમાં અરજી સાથે એપોઈન્ટમેન્ટ શિડ્યુલરની નકલ, દસ્તાવેજના પ્રથમ પાનાની નકલ અને ઓળખકાર્ડની નકલ સ્પષ્ટ દેખાય તેવી રીતે મોકલવાની રહેશે. તમામ વિગતો ધ્યાને લઈ ચકાસણી કર્યા બાદ જ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે અને નવેસરથી એપોઈન્ટમેન્ટ માટે વિકલ્પ આપવામાં આવશે.