મોરબી : મોરબીના સામાકાંઠે રહેતા અને મજુરી કામ કરતા યુવાને ગઈકાલે તેના ઘરે ગળેફાંસો ખાધો હતો. જોકે આ દરમ્યાન તેની નાની પુત્રી આ જોઈ જતા તેણીએ બુમાબુમ કરી મુકતા લોકો એકઠા થઈ ગયા હતા અને કઈ અજુગતું બને એ પહેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડતા યુવકનો જીવ બચી ગયો હતો. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સામાકાંઠે માળીયા ફાટક નજીક બી. ડિવિઝન પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારના ખોડીયાર ચોકમાં રહેતા ૪૦ વર્ષીય યુવાને ગત રાત્રીના નવેક વાગ્યે તેના ઘેર પંખામાં ચુંદડી બાંધીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે ગળેફાંસો ખાઈ રહ્યો હતો એ દરમ્યાન તેની પુત્રી આ જોઇ જતા તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી. આથી લોકો અને પરિવારના અન્ય સભ્યો એકઠા થઈ જતા યુવાનને બચાવી લેવાયો હતો. જોકે યુવાન બેભાન હાલતમાં હોય પ્રથમ મેારબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયો છે. તેને બીપીની તકલીફ છે અને દારૂ પીવાની પણ કુટેવ હોય નશાની હાલતમાં તેણે આ પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ મથકના હેડ. કોન્સ. ફીરેાઝભાઇ સુમરા ચલાવી રહ્યા છે.