દલિત-મુસ્લિમ એકતા સમિતિએ પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : કોરોનાને લઈને શરૂઆતમાં લાગુ કરાયેલા લોકડાઉન બાદ હવે અનલોકમાં પણ મોરબીમાં લારી-ગલ્લા અને પાથરણાવાળાઓને ધંધો કરવાની છૂટ અપાઈ નથી. બીજી તરફ મોરબીમાં તંત્ર દ્વારા લોકડાઉન દરમિયાન લારી-ગલ્લાઓ હટાવી લેવામાં આવ્યા છે. તેથી, આ સામાન્ય ધંધાર્થીઓ બેહાલ બની ગયા છે. આથી, સામાન્ય ધંધાર્થીઓ રોજગાર મેળવી શકે તે માટે તેમને વૈક્લિપક જગ્યા ફાળવવાની માંગ સાથે મોરબી દલિત-મુસ્લિમ એકતા સમિતિએ પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે લોકડાઉનના લાંબા સમયગાળામાં લારી, ગલ્લા અને પાથરણાવાળાઓના રોજગાર બંધ રહેવાથી આ સામાન્ય ધંધાર્થીઓને ઘરનું ગુજરાન ચલાવવામાં આર્થિક રીતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સામાન્ય ધંધાર્થીઓના શહેરમાં જ્યાં લારી ગલ્લા આવેલા હતા તે લારી ગલ્લાને તંત્રએ દૂર કરી નાખ્યા છે. તેથી, સામાન્ય ધંધાર્થીઓનો રોજગાર છીનવાયો છે. આથી, રોજગાર પડી ભાંગતા સામાન્ય ધંધાર્થીઓ નિરાશામાં આવીને કોઈ અઘટિત પગલે ભરી લે તે પહેલાં તેઓ સ્વમાનભેર પરિવારનું ગુજરાત ચલાવી શકે તે માટે તેમને રોજગાર આપવો જરૂરી છે. ખાસ કરીને ભારત સરકારની મહત્વકાંક્ષી આત્મનિર્ભર યોજના હેઠળ આવા સામાન્ય ધંધાર્થીઓ આત્મનિર્ભર બને તે માટે લારી-ગલ્લા અને પાથરણાવાળાઓને વૈકલ્પિક જગ્યા ધંધો કરવા માટે ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.