મોરબી : મોરબી જીલ્લાના ઘુંટુ રોડની કેનાલથી લખધીરપુર, પાનેલી, સલતાનપુર સુધી નવો રોડ તેમજ ઘુંટુ રોડની કેનાલથી શનાળા સુધીનો નવો રોડ મંજુર કરવા બાબતે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાના નાના-મોટા ઉદ્યોગો ગુજરાત રાજયના આર્થિક વિકાસમાં સિંહફાળો આપવા માટે અગ્રેસર રહે છે. હાલ કોરોનાની મહામારીના સંજોગોમાં પણ શ્રમીકોને પોતાના વતન પરત મોકલવાથી માંડીને ગરીબોને અનાજ કીટ પુરી પાડવામાં કોઇ કસર બાકી રાખી નથી. પરંતુ લોકડાઉન ખુલતાની સાથે જ મોરબી જીલ્લાને પગમાં કાટા સમાન લાગતી ટ્રાફીકની સમસ્યા જેમની તેમ જ છે. મોરબી જીલ્લાના મોરબી તાલુકાની મહેન્દ્રનગર ચોકડી, ત્રાજપર ચોકડી અને માળીયા ફાટક પાસે કલાકો સુધી ટ્રાફીક જામ રહે છે. જેના કારણે ઉદ્યોગોકારોના કિમતી સમયનો વેડફાટ થાય છે. સાથે મોટા પ્રમાણમાં ઇધણ પણ વ્યર્થ થાય છે. જેથી, પર્યાવરણ પર વિપરીત અસર પડે છે. આ ઉપરાંત, આજુબાજુના ગામમાંથી આવતા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને 108 જેવી ઇમરજન્સી સેવાઓના વાહનો પણ અટવાઇ જવાથી નાગ્રરીકોનો જીવ પણ જોખમમાં મુકાય છે. આથી, મોરબી જીલ્લાની ટ્રાફીક સમસ્યાને ઓછી કરવા માટે મોરબી જીલ્લાના મોરબી તાલુકાના ઘુંટુ રોડની કેનાલથી લખધીરપુર, પાનેલી, સલતાનપુર સુધી નવો રોડ તેમજ ઘુંટુ રોડની કેનાલથી શનાળા સુધીનો નવો રોડ, આમ બન્ને રોડ મંજુર કરવામાં આવે તેવી ઉદ્યોગકારો અને મોરબી જીલ્લાની પ્રજા વતી કિશોરભાઈ ચીખલીયા એ અંગત ભલામણ સાથે અપીલ કરી છે.