પતિએ વતન જવાની હઠ લીધા બાદ બન્ને વચ્ચે ઝઘડો થતા પત્નીએ કૂવો પૂર્યો મોરબી : મોરબીના કોયલી ગામે કુવામાંથી મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે આ બનાવ આપઘાતનો હોવાનું તારણ દર્શાવ્યું છે. જેમાં પતિએ વતન જવાની જીદ લીધા બાદ બન્ને વચ્ચે ઝઘડો થતા પત્નીએ કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું તાલુકા પોલીસે જણાવ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના કૂષ્ણનગર (કોયલી) ગામની સીમમાં આવેલ વાડીમા રહીને ખેતમજૂરી કરતી પારુબાઇ સુરેશભાઇ બ્રાહમણીયા (ઉ.વ. ૩૨) નામની મહિલાની ગઈકાલે તા.૨૨ ના રોજ કૂષ્ણનગર કોયલી ગામની સીમ અવચરભાઇની વાડીમા આવેલ કુવામાથી લાશ મળી આવી હતી. બાદમાં તેણીના મૃતહેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અને તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. આ બનાવની તપાસ કરનાર તાલુકા પોલીસના એચ.સી. જે. બી. ઝાલાએ જણાવ્યું હતું કે આ મૂળ મધ્યપ્રદેશની વતની મૃતક મહિલા તેના પતિ સાથે કોયલી ગામે રહીને ખેતમજૂરી કરતી હતી. દરમિયાન બે દિવસ પહેલા તેના પતિએ વતન જવાની જીદ પકડી હતી. પણ પત્નીએ હમણાં વતન નહિ જવાનું કહ્યું હતું. આથી, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા તેણીને લાગી આવ્યું હતું અને તેણીએ કૂવામાં ઝંપલાવીને મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવની પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.