લોકડાઉન દરમિયાન અજાણ્યા શખ્સે પાસવર્ડ મેળવીને ફેસબુક એકાઉન્ટ હેક કરી નાખ્યાની અરજીના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબી : મોરબીમાં વેપારીના ફેસબુકના પાસવર્ડ મેળવી એકાઉન્ટ હેક કરીને અજાણ્યા શખ્સે ફેસબુક ઉપર મુકેલી શ્રદ્ધાંજલિની પોસ્ટમાં અપમાનજનક કૉમેન્ટ કરી હતી. લોકડાઉન દરમિયાન આ મામલો બહાર આવ્યા બાદ વેપારીએ અરજી કરી હતી. હવે આ મામલે એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રાજનગર, વિસ્તારમાં આવેલ ધરતીપાર્કના પ્રયાગ એપાર્ટમેન્ટના ફલેટ નં.૩૦૨ માં રહેતા વેપાર કરતા ગોવિંદભાઇ ઉર્ફે ગીરીશ અમૃતલાલ છાભૈયા ઉ.વ.૪૧.એ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૨૨ એપ્રિલના લોકડાઉનના સમયગાળા દરમિયાન ફરીયાદીના ફેસબુક આઇ.ડી.ના અજાણ્યા આરોપીએ કોઇપણ રીતે પાસવર્ડ મેળવી ફરીયાદીના ફેસબુક એકાઉન્ટમાં લોગઇન થઇ પાસવર્ડ તથા મોબાઇલ નંબર બદલી નાખી એકાઉન્ટ હેક કરી પ્રોફાઇલ કવર ફોટો બદલી નાખી આ હેક કરેલ પ્રોફાઇલથી ફરીયાદીના ફેસબુક ફ્રેન્ડ રવિભાઇ પટેલે તેઓના ભાઇની શ્રદ્ધાંજલીની પોસ્ટ કરેલ હોય જે પોસ્ટની કોમેન્ટમાં ફરિયાદીના મિત્રોએ દુ:ખ વ્યક્ત કરેલ ત્યારે આ હેક થયેલ પ્રોફાઇલથી તા.૨૪/૦૪/૨૦૨૦ ના રોજ અપમાનજનક જેવા બિભત્સ શબ્દવાળી કોમેન્ટ કરેલ, જેનાથી મૃતાત્માની ગરીમાને ઠેસ પહોંચે અને મૃતાત્માના સ્વજનોને દિલ અને લાગણી દુભાય અને મૃતાત્માના કુટુંબીજનોને ફરી. પ્રત્યે દુ:શ્મનાવટ પેદા થાય તથા ફરીયાદીનુ ચારીત્ર્ય ખરાબ દેખાય તેવું હિન કૃત્ય કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.જે તે વખતે લોકડાઉન ચાલુ હોય અને પાસવર્ડ રીકવર માટે અરજી કરેલ હોય પરંતુ એકાઉન્ટના પાસવર્ડ રીકવર થયેલ ન હોય. જેથી, અગાઉ કરેલ અરજીના આધારે એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.