વરસાદ બાદ ખોદેલો રસ્તો ઓળંગવા માટે સ્થાનિકોએ જાત મહેનત જિંદાબાદ સૂત્રને કર્યું ચરિતાર્થ મોરબી : શહેરના વાવડી રોડ પર માર્ગ વિસ્તરણની કામગીરી ચાલી રહી છે ત્યારે વરસાદની સીઝન શરૂ થઈ જતા સ્થનિકોને અનેક વીટમ્બણાનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ પરથી સોસાયટીઓમાં જવા માટે લોકો તંત્ર દ્વારા ખોદાયેલા માર્ગમાંથી પસાર થતા હતા. જો કે વરસાદ બાદ આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ચાલવામાં મુશ્કેલી પડતા લોકોએ સ્વં ત્રાપા-ટેકા ગોઠવીને કામચલાઉ પુલિયું ઉભું કર્યું છે. અલબત્ત આ પુલિયું જોખમી હોવાનું જાણવા છતાં સ્થાનિકો તંત્રની ઉદાસીનતા સામે લાચાર હોય એવું આ પુલિયું જોતા લાગી રહ્યું છે. ભારે વરસાદ આવે ત્યારે આ પુલ પરથી પસાર થવું જોખમી હોવાનું જાણતા સ્થાનિકો મજબૂરીથી પણ આ જોખમ ઉઠાવી રહ્યા છે ત્યારે તંત્રવાહકો કોઈ માર્ગ કાઢે એવી અપેક્ષા મોરબીની સમગ્રતઃ સ્થિતિ જોતા વધુ પડતી છે. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ પુલિયાના ફોટા જોઈ લોકો 'વાવડી રોડ આત્મનિર્ભર છે' એવી કોમેન્ટો પણ કરી રહ્યા છે. તંત્ર આ કટાક્ષ ક્યારે સમજે છે તે હવે જોવું રહ્યું.