ભાજપમાંથી ટીકીટ મળવાની અટકળોને કારણે મેરજા સામે વિરોધનો વંટોળ મોરબી : બ્રિજેશ મેરજાએ થોડા દિવસો પહેલા કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ આગામી પેટા ચૂંટણીમાં તેમને ભાજપમાંથી ટીકીટ આપશે એવી જોરદાર અટકળો શરૂ થતાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના સમર્થકોએ મેરજા સામે પોસ્ટર વોર છેડયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના વતન ગણાતા જેતપર ગામે બ્રિજેશ મેરજાની પ્રવેશબંધી ફરમાવતા પોસ્ટરો લાગ્યા હતા. ત્યારે વધુ ત્રણ ગામમાં મેરજાને જાકારો મળ્યો છે. જેમાં મોરબીના નવા સાદુળકા, ગાળા ગામ અને અણીયારી ગામમાં મેરજા વિરુદ્ધ બેનરો લાગ્યા છે. આ બેનરોમાં લખ્યું છે કે જનતાની લાગણીનું અપમાન કરનાર સમાજ દ્રોહી બ્રિજેશ મેરજાએ કોઈપણ રાજકીય પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરવા આ બન્ને ગામમાં પ્રવેશ કરવો નહિ. આ પ્રકારનું સમસ્ત ગ્રામજનો વતી બેનર લગાવવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં આ પોસ્ટર વોરથી નવા જૂની થાય તેવા એંધાણ મળી રહ્યા છે.